ખાસ કંઈ મહેનત વગર વિડિયો બને છે અને વર્ષે કમાણી થાય છે તોતિંગ ૩૮ કરોડ રૂપિયાની
‘બંદર અપના દોસ્ત’ ચૅનલ
યુટ્યુબ પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવવામાં આવતી કન્ટેન્ટ વિશેના તાજેતરના વૈશ્વિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૌથી વધુ જોવાયેલી AI-આધારિત ચૅનલ ભારતની ‘બંદર અપના દોસ્ત’ નામની યુટ્યુબ ચૅનલ છે જેની અંદાજિત વાર્ષિક આવક આશરે ૪.૨૫ મિલ્યન ડોલર એટલે કે આશરે ૩૮ કરોડ રૂપિયા છે. યુટ્યુબ ચૅનલ પર આવતા આવા વિડિયોને AI Slop કહેવામાં આવે છે, જેનો અર્થ એ છે કે એ AI દ્વારા ખૂબ જ ઓછા સમયમાં બનાવવામાં આવે છે અને એમાં માણસોએ વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી. એનો હેતુ કોઈ આકર્ષક વાર્તા કહેવાનો નથી, પરંતુ ફક્ત વ્યુઝ મેળવવાનો અને પૈસા કમાવાનો છે.
‘બંદર અપના દોસ્ત’ ચૅનલમાં બોલતા વાંદરાની વાર્તા દર્શાવવામાં આવે છે જે શક્તિશાળી સુપરહીરો જેવો છે. ચૅનલના વિડિયો રમૂજી, નાટકીય અને ભાવનાત્મક છે. ચૅનલના હાલમાં ૨૭.૮+ લાખ સબસ્ક્રાઇબર્સ છે અને ૬૨૦ વિડિયો અપલોડ કરવામાં આવ્યા છે. આવકની દૃષ્ટિએ એ વાર્ષિક ૩૫ કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. એને અત્યાર સુધીમાં કુલ બે અબજ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે. ચૅનલની અપાર લોકપ્રિયતા દર્શાવે છે કે ઓછી કિંમતની AI સામગ્રી નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી શકે છે. આ વિડિયો ઝડપી, ચહેરાના વિચિત્ર હાવભાવ અને સરળ જોક્સ પર આધારિત છે જે કોઈ પણ ભાષા કે ઉંમરના લોકો સરળતાથી સમજી શકે છે. એનો મુખ્ય હેતુ દર્શકોને જોડવાનો છે, કંઈ પણ સકારાત્મક શીખવવાનો નથી.


