આ કોસ્ટ-ઇફેક્ટિવ ટેક્નૉલૉજી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સોલર-પાવર્ડ ઇલેક્ટ્રિક વેહિકલના વિઝનને અનુરૂપ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જોધપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)એ એવું ઍડેપ્ટર બનાવ્યું છે જેનાથી ઇલેક્ટ્રિક વેહિકલ (EV)ને સૌરઊર્જાથી ચાર્જ કરી શકાશે. આ કોસ્ટ-ઇફેક્ટિવ ટેક્નૉલૉજી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સોલર-પાવર્ડ ઇલેક્ટ્રિક વેહિકલના વિઝનને અનુરૂપ છે. મોદીએ ફેબ્રુઆરીમાં એવી સિસ્ટમ વિકસાવવાની વાત કરી હતી જેના દ્વારા લોકો રૂફટૉપ સોલર સિસ્ટમમાંથી પેદા થતી ઊર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક વેહિકલ્સને રીચાર્જ કરી શકશે. IIT-જોધપુરનું આ ઇનોવેશન EV ચાર્જિંગ સ્ટેશન અને સંસાધનોની અછત સંબંધી ચિંતા દૂર કરશે. ખાસ કરીને પર્વતીય અને ગ્રામીણ વિસ્તારોમાં આ ઍડેપ્ટર બહુ ઉપયોગી સાબિત થશે.
IIT-જોધપુરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર નિશાંત કુમારે જણાવ્યું હતું કે ‘આ ઍડેપ્ટરની કિંમત ૧૦૦૦ રૂપિયાથી ઓછી છે. એ સોલર પૅનલ અને વેહિકલ ચાર્જર વચ્ચેનું કનેક્શન બનાવે છે, જેમાં વાહનની જરૂરિયાતોને અનુરૂપ બે પાવર સપ્લાય પૉઇન્ટ હોય છે. હાલમાં પાવર કન્વર્ટર વગર સોલર પૅનલ પાવરનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકતો નથી એટલે ચાર્જિંગ ઍડેપ્ટર ડેવલપ કરવાં જરૂરી છે. એને ટૂંક સમયમાં માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે.’

