ડૉગીઝ માટે માત્ર રમવાનો સાથી કે મેટિંગ માટેનો સાથી જ હોય એટલું પૂરતું નથી. એમને ઇમોશનલ અટૅચમેન્ટ અનુભવાય એવા સંબંધોની જરૂર છે અને એ કામ સમજી-વિચારીને જ થઈ શકે.
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદમાં કૂતરાઓ માટે એક ખાસ ડેટિંગ ઍપ બનાવવામાં આવી છે. એના દ્વારા પાળેલા ડૉગીઝને બીજા પાળેલા ડૉગીઝની સાથે દોસ્તી કરીને ડેટિંગ કરાવી શકાય છે. ઍપનું નામ છે ડૉફેર મતલબ કે ડૉગ અફેર. એકલાપણું માત્ર માણસો માટે જ નહીં, ડૉગીઝ માટે પણ ખતરનાક છે. એટલે એમને પણ મનગમતો સાથી મળી રહે એ જોવું એમની મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. ડૉફેરના ફાઉન્ડર મૌર્ય કંપેલીનું કહેવું છે કે હું પોતે કદી કૂતરો પાળી ન શક્યો, પરંતુ જ્યારે પણ કોઈકના ઘરે પાળતુ જોતો તો મને લાગતું કે તેઓ બહુ લોનલી છે. ઘરના માણસો પાસે એટલો સમય નથી હોતો કે તેઓ પેટ્સને એકલવાયું ન લાગે એ માટે પૂરતો સમય આપે. ડૉગીઝ માટે માત્ર રમવાનો સાથી કે મેટિંગ માટેનો સાથી જ હોય એટલું પૂરતું નથી. એમને ઇમોશનલ અટૅચમેન્ટ અનુભવાય એવા સંબંધોની જરૂર છે અને એ કામ સમજી-વિચારીને જ થઈ શકે.
માર્ચ મહિનામાં આ ઍપ લૉન્ચ થયેલી ત્યારે માત્ર ૧૦૦ યુઝર્સ સાથે ટ્રાયલ કરવામાં આવેલી. હવે અત્યારે ૧૦,૦૦૦થી વધુ લોકોએ આ ઍપ ડાઉનલોડ કરી લીધી છે. એમાં પેટ પેરન્ટ્સ પોતાના કૂતરાનો પ્રોફાઇલ બનાવીને મૂકી શકે છે. એ કઈ બ્રીડનો છે, એનું એનર્જી-લેવલ, સ્વભાવ, પસંદ-નાપસંદ, સ્કિલ્સ જેવી ચીજોની માહિતી અપલોડ કરવાની રહે છે. એ પછી એના આધાર પર બીજા ડૉગીઝનું મૅચિંગ ઍપ દ્વારા જ સજેસ્ટ થાય છે. યુઝરનું લોકેશન, ડૉગીનું બિહેવિયર વગેરેના આધાર પર પણ ફિલ્ટર લગાવીને મૅચ શોધી શકાય છે.

