એક હટકે નંબર જ હોવો જોઈએ એવી જીદને લઈને ભાઈસાહેબ હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલી એક હરાજીમાં સામેલ થયા
પ્રતીકાત્મક તસવીર
કોઈકને મોંઘા વાહનનો શોખ હોય અને એ માટે લાખો રૂપિયા ખર્ચી નાખે તો એ સમજાય, પણ સ્કૂટર ખરીદવાનું બજેટ હોય અને છતાં એમાં નંબર તો કંઈક હટકે જ રાખવો છે એવી શાણપટ્ટીમાં કોઈ લાખો રૂપિયા ખર્ચી નાખે તો એને શું કહેવું? હિમાચલ પ્રદેશના હમીરપુર ગામમાં રહેતા સંજીવકુમાર નામના ભાઈએ શોખની આડમાં એક એવું કારનામું કર્યું કે તેઓ ફેમસ થઈ ગયા છે. તેમણે થોડા સમય પહેલાં જ સ્કૂટર ખરીદ્યું હતું. એ પછી તેઓ એના માટે કોઈ VIP નંબરની શોધમાં હતા. એક હટકે નંબર જ હોવો જોઈએ એવી જીદને લઈને ભાઈસાહેબ હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલી એક હરાજીમાં સામેલ થયા. એ પછી તેમણે એ પણ ન જોયું કે જે રકમની બોલી તે લગાવી રહ્યો છે એ મૂળ વાહન કરતાં ૧૪ગણી કિંમતની છે. આખરે HP21C-0001નંબર લેવા માટે ભાઈસાહેબે ૧૪ લાખ રૂપિયા સુધી બોલી ખેંચી કાઢી. સંજીવની સાથે બીજી એક જ વ્યક્તિ હતી જે આ નંબર લેવા માટે રેસમાં હતી. જોકે ૧૪ લાખની બોલી પછી તે માણસે પણ હથિયાર હેઠાં મૂકા દીધાં.


