મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના એક ગામમાં જાનનું સ્વાગત કરવા માટે છોકરીવાળાઓએ જોરજોરથી DJ અને ઢોલ વગાડવાનું શરૂ કરતાં જે ઘોડી પર દુલ્હો બેઠો હતો એ ચમકી ઊઠી હતી.
ઢોલ-DJના જોરદાર અવાજથી ચમકીને દુલ્હાની ઘોડી વીફરી અને કૂવામાં છલાંગ લગાવી દીધી
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના એક ગામમાં જાનનું સ્વાગત કરવા માટે છોકરીવાળાઓએ જોરજોરથી DJ અને ઢોલ વગાડવાનું શરૂ કરતાં જે ઘોડી પર દુલ્હો બેઠો હતો એ ચમકી ઊઠી હતી. અચાનક લાઉડ મ્યુઝિકથી ભડકેલી ઘોડી બેકાબૂ થઈ ગઈ અને આમતેમ ઊછળકૂદ કરીને નજીકમાં આવેલા કૂવામાં ખાબકી પડી. ગનીમત એ રહી કે ઘોડી કૂવામાં કૂદે એની ક્ષણો પહેલાં જ સંતુલન ગુમાવવાને કારણે દુલ્હો નીચે જમીન પર કૂદી પડ્યો હતો. નહીંતર ઘોડી ભેગો તેય પાણીમાં જાત. ફતેહપુર ગામમાં રવિવારે ભરબપોરે આ ઘટના બની હતી. ઘોડીને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં ગ્રામીણો લાગી પડ્યા હતા. આ કૂવાની પાળી બહુ નીચી છે અને બે વર્ષ પહેલાં પણ આ જ કૂવામાં એક બળદ પડી ગયો હતો. ગ્રામજનોએ પંચાયતને વિનંતી કરી છે કે કૂવાની પાળી ઊંચી કરવામાં આવે જેથી આ પ્રકારના અકસ્માતો રોકી શકાય.


