ફ્રાઉ મેયર લગભગ ૩૦ વર્ષથી પણ મોટી છે. ક્રિસ્ટિઅન ખૂબ નાનો હતો ત્યારથી ફ્રાઉ મગરને ઓળખે છે.
મગર સાથે ક્રિસ્ટિઅન કૉલિસ
જર્મનીમાં રહેતા ક્રિસ્ટિઅન કૉલિસ નામના એક નિવૃત્ત સર્કસ આર્ટિસ્ટના ઘરમાં ફ્રાઉ મેયર નામની આઠ ફુટ લાંબી માદા મગર પણ રહે છે. ક્રિસ્ટિઅને આ મગરને પાળી છે એવું કોઈ કહે તો એ તેને ગમતું નથી, કેમ કે તે માને છે કે આ મગર તો તેની મોટી બહેન જેવી છે. ફ્રાઉ મેયર લગભગ ૩૦ વર્ષથી પણ મોટી છે. ક્રિસ્ટિઅન ખૂબ નાનો હતો ત્યારથી ફ્રાઉ મગરને ઓળખે છે. વાત એમ છે ક્રિસ્ટિઅનના પિતા પણ સર્કસમાં કામ કરતા હતા અને તેઓ તેને સર્કસ માટે લઈ જતા ત્યારથી તે ફ્રાઉને ઓળખતો હતો. આ મગરે તેના પિતા સાથે પણ અનેક સ્ટન્ટ કર્યા હતા અને મોટા થયા પછી ક્રિસ્ટિઅને પોતે પણ ફ્રાઉબહેન સાથે સ્ટેજ-પર્ફોર્મન્સ કર્યા હતા. આ મગર તેના પપ્પા થકી મળી હોવાથી ક્રિસ્ટિઅન એને બહેન માને છે. ક્રિસ્ટિઅને બહુ યંગ એજમાં જ સર્કસમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે અને એ વખતે ફ્રાઉની ઉંમર પણ ખાસ્સી થઈ ગઈ હોવાથી એ સર્કસના કામમાં આવે એમ નહોતી એટલે તેણે મગરબહેનને પોતાને ત્યાં રાખી લીધી. ઉંમરની સાથે ફ્રાઉ હવે વધુ શાંત, મૅચ્યોર અને ક્રિસ્ટિઅન માટે બહુ પ્રોટેક્ટિવ થઈ ગઈ છે. ફ્રાઉ છૂટથી રહી શકે એ માટે ક્રિસ્ટિઅને પોતાના ઘરમાં જ એક વિશાળ પૂલ બનાવ્યો છે જેમાં થર્મલ લાઇટિંગની વ્યવસ્થા કરી છે જેથી મગરને એ પાણી અનુકૂળ આવે. હવે નિરાંતના સમયમાં એ પૂલમાં મગરબહેન સાથે ક્રિસ્ટિઅન કલાકો સુધી ટ્યુબ પર બેસીને તરતા રહે છે. મગર આઠ ફુટ લાંબી પુખ્ત વયની અને જંગલી પ્રજાતિની હોવા છતાં ખૂબ શાંત છે. એનું વજન ૧૦૦ કિલો જેટલું છે, પરંતુ એને વીકમાં એક જ વાર ભોજન જોઈએ છે. બાકીના દિવસોમાં મગર કંઈ જ મોંમાં નથી નાખતી. ક્રિસ્ટિઅનના ઘરમાં પણ ફ્રાઉ એક સભ્યની જેમ જ જ્યાં મન થાય ત્યાં ફરી શકે છે.


