સ્વિસ પ્રદર્શનમાં કેદીના જમ્પસૂટમાં ક્રોસ પર બેઠેલી ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ પ્રતિમા પ્રદર્શિત કરવામાં આવી છે, જેનાથી રાજકીય કલા અને પ્રતીકવાદ પર ચર્ચા શરૂ થઈ છે.
સ્વિટ્ઝરલૅન્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટૅચ્યુ
જેને કોઈ ધિક્કારે અથવા તો કોઈ ખૂબ ચાહે પણ ઇગ્નૉર તો ન જ કરી શકે એવી પર્સનાલિટી ધરાવતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ફરતે અવનવાં મીમ્સ બનતાં રહે છે. જોકે સ્વિટ્ઝરલૅન્ડના એક એક્ઝિબિશનમાં ઑરેન્જ રંગના કેદીઓના જમ્પ-સૂટના પરિવેશમાં ડોનલ્ડ ટ્રમ્પનું શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ જ શિલ્પ થોડા સમય પહેલાં ઑસ્ટ્રિયાના વિયેના શહેરમાં પણ મૂકવામાં આવ્યું હતું અને હવે સ્વિટ્ઝરલૅન્ડના બેસલ શહેરમાં મૂકવામાં આવ્યું છે. જીઝસની જેમ ટ્રમ્પને શૂળીએ ચડાવેલા હોય એવું દેખાડવામાં આવ્યું છે. બ્રિટનના કલાકાર મેસન સ્ટૉર્મ દ્વારા આ આર્ટવર્ક બનાવવામાં આવ્યું છે. ગાદી જેવા સફેદ ક્રૉસ પર બે હાથ પહોળા કરીને ટ્રમ્પ કેદીના સ્વરૂપમાં આંખ બંધ કરીને સૂતા હોય એવું દેખાડવામાં આવ્યું છે. આ શિલ્પનું શીર્ષક છે સંત કે પાપી? કલાકારે ટ્રમ્પનું શિલ્પ એટલું આબેહૂબ બનાવ્યું છે કે તેમના ચહેરાની દરેક કરચલી જાણે વાસ્તવિક હોય એવું લાગે છે.


