સામાન્ય રીતે દુકાન ચોખ્ખીચણક હોવી જોઈએ એવું મનાય છે, પણ ચીની દુકાનદારોનું માનવું છે કે જો દુકાનમાં થોડો કચરો આમતેમ વિખેરાયેલો હોય તો એવી ઇમ્પ્રેશન પડે છે કે અહીં ખૂબ ગ્રાહકોનો ધસારો છે.
ગ્રાહકોને આકર્ષવા માટે શૉપને ચોખ્ખી નહિ, અસ્તવ્યસ્ત કચરાવાળી રાખવાનો નવો ટ્રેન્ડ
ચીનમાં ભીડભાડવાળા શહેરમાં દુકાનના માલિકોમાં એક નવો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. સામાન્ય રીતે દુકાન ચોખ્ખીચણક હોવી જોઈએ એવું મનાય છે, પણ ચીની દુકાનદારોનું માનવું છે કે જો દુકાનમાં થોડો કચરો આમતેમ વિખેરાયેલો હોય તો એવી ઇમ્પ્રેશન પડે છે કે અહીં ખૂબ ગ્રાહકોનો ધસારો છે. ચોખ્ખી અને વ્યવસ્થિત સજાવેલી દુકાનોનો માલ કાં તો મોંઘો હોય છે અથવા તો ત્યાં કોઈ ખાસ ગ્રાહક આવતા નથી એવું સાઇકોલૉજિકલી કહે છે. આ સાઇકોલૉજીનો લાભ ઉઠાવવા ચીનમાં કેટલાક દુકાનદારો સવારે ઊઠીને શૉપ સાફ કર્યા પછી તેમની પ્રોડક્ટનો કચરો પોતાની જ દુકાનમાં લિટરલી હાથે કરીને વેરે છે. ફળની દુકાન હોય તો ફળની પેટીમાંથી નીકળતું સૂકું ઘાસ, કપડાંની દુકાન હોય તો હૅન્ગર્સ, શૂઝની દુકાન હોય તો શૂઝનાં બૉક્સ, ફૂડ-આઇટમ હોય તો ખાવાની ચીજો પણ કોઈ એકાદ ટેબલ પર આમતેમ પડેલી રાખે છે. એનાથી દુકાનમાં પ્રવેશતા દરેક ગ્રાહકને એવી ભ્રમણા થાય કે મોટી સંખ્યામાં ગ્રાહકો હમણાં જ અહીંથી ગયા હશે. લોકોને લાગે છે કે ખૂબબધા લોકોએ અહીંથી ચીજો ખરીદી લીધી છે એટલે હવે તેમણે પણ ખરીદવી જોઈએ.


