એક ચીની કંપનીએ ચાઇનીઝ કવિ લિ બેઇનું રોબો વર્ઝન તૈયાર કર્યું છે. આ રોબોભાઈ લિભાઈની જેમ લોકોને વાર્તા અને કવિતાઓ કહેતા જોવા મળશે
પ્રતીકાત્મક તસવીર
હ્યુમન જેવા જ દેખાતા રોબો હવે માણસ જેવાં બધાં કામ કરી શકે એ માટે વૈજ્ઞાનિકો પૂર ગતિએ સંશોધનો કરી રહ્યા છે. ચીનની રાજધાની બીજિંગમાં આ વીક-એન્ડમાં એટલે કે આઠમી ઑગસ્ટથી પાંચ દિવસ માટેનો રોબો મૉલ શરૂ થઈ રહ્યો છે. સાથે જ વર્લ્ડ રોબો કૉન્ફરન્સમાં અનોખાં કામ અને કારનામાં કરી શકે એવા હ્યુમનૉઇડ રોબોઝ દુનિયાભરની કંપનીઓ રજૂ કરશે. દવા બનાવતી ફૅક્ટરીથી માંડીને દવા વેચવા માટે પણ રોબો કામ કરશે. રેસ્ટોરાંઓમાં પણ રોબો રસોઈ બનાવીને પીરસતા જોવા મળી શકે છે. સૌથી નવાઈની વાત એ છે કે એક ચીની કંપનીએ ચાઇનીઝ કવિ લિ બેઇનું રોબો વર્ઝન તૈયાર કર્યું છે. આ રોબોભાઈ લિભાઈની જેમ લોકોને વાર્તા અને કવિતાઓ કહેતા જોવા મળશે. અત્યારે તો હજી આ કૉન્ફરન્સમાં શું જોવા મળશે એની ઝલક મીડિયાકર્મીઓને દેખાડવામાં આવી છે. ખરો જલસો તો આઠમી ઑગસ્ટ પછી જોવા મળશે.


