જોકે આ ઘટના ત્યારે લોકોની નજરમાં આવી જ્યારે ૧૨ ડિસેમ્બરે તે ચેક-આઉટ કરીને હોટેલમાંથી બહાર ગયો.
ચીનમાં ઈ-સ્પોર્ટ્સ હોટેલ ગેમર્સ માટે જ બનાવવામાં આવી છે
ચીનમાં ગેમ રમવા માટે ખાસ હોટેલો બનાવવામાં આવી છે. આવી જ એક ઈ-સ્પોર્ટ્સ હોટેલમાં એક માણસ સતત બે વર્ષ સુધી રહ્યો અને ગેમ રમતો રહ્યો. જોકે આ ઘટના ત્યારે લોકોની નજરમાં આવી જ્યારે ૧૨ ડિસેમ્બરે તે ચેક-આઉટ કરીને હોટેલમાંથી બહાર ગયો. સામાન્ય રીતે કોઈ એક કસ્ટમર ચેક-આઉટ કરે એ પછી રૂમનું ડીપ ક્લીનિંગ કરીને બીજા કસ્ટમરને અપાય. સાફસફાઈ માટે જ્યારે કર્મચારીઓએ રૂમ ખોલી ત્યારે રૂમની હાલત જોઈને તેઓ ગભરાઈ ગયા. રૂમમાં પલંગથી લઈને જમીન પર કચરાનો ઢગલો હતો. ટેકઅવે ફૂડના ડબ્બા, ડ્રિન્ક્સનાં ટિન, રૅપર્સ, પ્લાસ્ટિકની કોથળીઓ અને ખાલી બૉટલોનો ઢગલો એટલો ઊંચો ખડકાયો હતો કે પલંગ અને કચરો એક લાઇનમાં આવી ગયા હતા. આ રૂમમાં રહેતી વ્યક્તિને ગેમનો એટલો ચસકો લાગ્યો હતો કે તે ભાગ્યે જ રૂમની બહાર નીકળતો અને તેની રૂમમાં પણ કોઈને આવવા નહોતો દેતો. તેણે રોજેરોજ રૂમ ક્લીનિંગ સર્વિસને પણ રૂમમાં આવવાની ના પાડી દીધી હતી એને કારણે બે વર્ષ સુધી તેણે બહારથી જે પણ મગાવ્યું હતું એનો કચરો રૂમમાં જ પડ્યો રહ્યો હતો. તેણે પોતે ટૉઇલેટ સાફ કરવાની તસ્દી પણ નહોતી લીધી એને કારણે હોટેલનું ટૉઇલેટ કોઈ જાહેર શૌચાલયને પણ સારું કહેવડાવે એટલું ગંદું-ગોબરું થઈ ગયું હતું.
ચીનમાં ઈ-સ્પોર્ટ્સ હોટેલ ગેમર્સ માટે જ બનાવવામાં આવી છે. અહીં હાઈ-એન્ડ કમ્પ્યુટર, આરામદાયક ગેમિંગ ખુરસી, મોટું મૉનિટર અને ફાસ્ટ ઇન્ટરનેટ અવેલેબલ હોય છે. અહીં અમુક કલાકો માટે પણ રોકાઈ શકાય છે તો કેટલાક લોકો મહિનાના રેન્ટલ પર પણ રહેતા હોય છે. કોઈ યુવક બે વર્ષ સુધી રૂમમાં રહ્યો હોય એવું આ હોટેલમાં પહેલી વાર બન્યું હતું. જોકે તેના ગયા પછી હોટેલના સફાઈ-કર્મચારીઓ બઘવાઈ ગયા હતા. આ એવી ગંદકી હતી જેને સાફ કરવા માટે પ્રોફેશનલ ટ્રેઇનિંગ લઈ ચૂકેલા સફાઈના એક્સપર્ટને બોલાવવા પડ્યા હતા. એમાંથી લગભગ એક ટેમ્પો ભરાય એટલો કચરો નીકળ્યો હતો. હોટેલનું કહેવું છે કે પ્રોફેશનલ સફાઈ પછી પણ હજી આ રૂમ બીજાને ભાડે આપી શકાય એવી કન્ડિશનમાં નથી. એનું રિનોવેશન કરાવવું પડશે.


