અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં કાર્મેલ બાય ધ સી શહેરમાં એક અતિવિચિત્ર નિયમ છે
જોકે કાનૂન ભલે હોય, પોલીસ એ માટે સખત નથી. જો આવી હીલ્સને કારણે કોઈ અકસ્માતનો શિકાર બન્યા તો મુસીબતમાં મુકાઈ જવાય.
અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં કાર્મેલ બાય ધ સી શહેરમાં એક અતિવિચિત્ર નિયમ છે. આ નિયમ છેક ૧૯૬૩થી લાગુ પડ્યો છે. કાર્મેલ એક નાનકડું દરિયાકિનારે આવેલું શહેર છે. એમાં જૂનાં ઘરો, સાંકડી ગલીઓ અને ચાલીને જવું પડે એવા રસ્તા ખૂબ છે. અહીંનાં વૃક્ષો પણ ખૂબ ઊંચાં છે અને એનાં મૂળ એટલાં ફેલાયેલાં છે કે એનાથી ચાલવા માટેનો રસ્તો ઊબડખાબડ બની ગયો છે. ઊંચી અને પાતળી હીલ્સ પહેરીને આ રસ્તા પર ચાલવાનું ખતરનાક બની શકે છે. એને કારણે અનેક દુર્ઘટનાઓ થઈ ચૂકી છે. ખાસ કરીને જ્યારે પર્યટકોને શહેરનો રસ્તો ખબર નથી હોતો ત્યારે તેમની સુરક્ષા માટે હાઈ-હીલ્સ પર કાનૂની પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લેખિત કાયદા મુજબ જો કોઈ મહિલા બે ઇંચથી વધુ ઊંચી હીલ્સ પહેરવા માગતી હોય તો તેણે એ માટે સરકારી પરમિટ લેવી જરૂરી છે. હા, આ પરમિટ ફ્રીમાં જ મળી જાય છે, પરંતુ આ કાનૂની સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી છે. જોકે કાનૂન ભલે હોય, પોલીસ એ માટે સખત નથી. જો આવી હીલ્સને કારણે કોઈ અકસ્માતનો શિકાર બન્યા તો મુસીબતમાં મુકાઈ જવાય.


