ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ૯ બેઠક માટે ૨૦ નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે એમાં આંબેડકરનગરની કટેહરી વિધાનસભા બેઠક પરથી BJPના ઉમેદવાર ધર્મરાજ નિષાદ ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપ્રચારમાં ઉમેદવારો મરણિયા પ્રયાસ કરતા જોયા-સાંભળ્યા છે, પણ ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તો સાચે જ મરવા તૈયાર થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ૯ બેઠક માટે ૨૦ નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે એમાં આંબેડકરનગરની કટેહરી વિધાનસભા બેઠક પરથી BJPના ઉમેદવાર ધર્મરાજ નિષાદ ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે. તેમણે મતદારોને જિતાડવા માટે કરેલી અપીલ આખા ઉત્તર પ્રદેશમાં ચર્ચાના ચકડોળે ચડી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ફોટો સાથે પોસ્ટર અને બૅનર છપાવ્યાં છે. એમાં અવધી ભાષામાં લખ્યું છે, ‘યા તો અબકી જિતાય દા... યા ફિર ટિકઠી પર લિટાય દા’. એટલે કે ‘આ વખતે ચૂંટણીમાં જિતાડો અથવા પછી ચિતા પર સુવડાવી દો...’ આ બેઠક પરથી નિષાદ સામે સમાજવાદી પાર્ટીના નેતા લાલજી વર્માનાં પત્ની શોભાવતી વર્મા ચૂંટણી લડવાનાં છે. લાલજી વર્મા સંસદસભ્ય બન્યાં એટલે વિધાનસભાની બેઠક ખાલી પડી હતી.


