એક્વા લાઇન મેટ્રો ૨૯.૭ કિલોમીટર લાંબી છે જેમાં ૨૧ સ્ટેશન આવે છે. ૫૫૦૩ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ મેટ્રો ૨૦૧૯ જાન્યુઆરીમાં શરૂ થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર
નોએડાથી ગ્રેટર નોએડા જતી મેટ્રોમાં પહેલી વખત એક પરિવારે તેમના ૧૨ વર્ષના પુત્રની બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી હતી. નોએડા મેટ્રો રેલ કૉર્પોરેશને ફેબ્રુઆરી ૨૦૨૦થી એક્વા લાઇનના કોચમાં ભાડા ઉપરાંત અન્ય આવક મેળવવા માટે પ્રાઇવેટ ઉજવણી માટે ભાડેથી આપવાની યોજનાની ઘોષણા કરી હતી. કોરોના મહામારીને કારણે મેટ્રો રેલ સર્વિસ ૨૦૨૦ અને ૨૦૨૧માં બે વખત ખોરવાઈ ગઈ હતી એથી આ સમયગાળા દરમ્યાન કોઈ ઉજવણી થઈ નહોતી. બુધવારે સુપ્રિયા રૉયે તેમના દીકરાની જન્મદિનની ઉજવણી નોએડા મેટ્રોમાં કરવાનું નક્કી કર્યું હતું. ટ્રેન સ્ટેશન પર ઊભી હતી ત્યારે આ ઉજવણી કરવામાં આવી હતી. મેટ્રો રેલ કૉર્પોરેશનના અધિકારીઓએ પરિવારનું સન્માન કર્યું હતું, કારણ કે તેઓ પ્રથમ ગ્રાહક હતા. મેટ્રોના જણાવ્યા પ્રમાણે લોકો એકથી માંડીને ચાર કોચ ભાડે લઈ શકશે. એ માટે ૧૫ દિવસ પહેલાં અરજી કરવી પડશે. એક્વા લાઇન મેટ્રો ૨૯.૭ કિલોમીટર લાંબી છે જેમાં ૨૧ સ્ટેશન આવે છે. ૫૫૦૩ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ મેટ્રો ૨૦૧૯ જાન્યુઆરીમાં શરૂ થઈ હતી.
સોશ્યલ મીડિયા પર આ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો પર મજેદાર કોમેન્ટ્સ આવી હતી. અનેકે લખ્યું કે, મેટ્રો દ્વારા લાવવામાં આવેલી આ યુનિક પહેલનો દરેક લોકોએ ખાસ પ્રસંગ માટે લાભ લેવો જ જોઈએ.