સોશ્યલ મીડિયાનું આ વળગણ પારિવારિક સંબંધોમાં તાણ અને છૂટાછેડાનું પણ એક કારણ બની રહ્યું છે.
સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયાના વધતા જતા પ્રભાવને કારણે સમાજમાં જ નહીં પણ વ્યક્તિગત સંબંધોમાં પણ ખટાશ આવવા લાગી છે અને એવો જ એક કેસ બિહારના કટિહાર જિલ્લામાંથી આવ્યો છે જ્યાં પતિ-પત્ની વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના વપરાશના મુદ્દે ઝઘડો થયો. પતિનો આરોપ છે કે પત્ની આખો દિવસ સોશ્યલ મીડિયા પર વ્યસ્ત રહે છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વિવિધ પોઝમાં ફોટો અપલોડ કર્યા કરે છે, જેનાથી તેમના સંબંધો વણસી રહ્યા છે. લગ્નને પાંચ વર્ષ થઈ ચૂક્યાં છે પણ સંતાન થયું નથી. પત્ની પિયર જતી રહી છે અને હવે પાછી સાસરે આવવા તૈયાર નથી. પતિએ આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી હતી, પણ પત્નીએ જે જવાબ આપ્યો એ સાંભળીને પતિ સાથે તેના પાડોશીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પત્નીએ જણાવ્યું કે સોશ્યલ મીડિયા પર સમય વિતાવવો અને પોતાની તસવીરો મૂકવી મને ખૂબ જ પસંદ છે, એ મારા જીવનનો એક હિસ્સો છે, આ આદત હું છોડી શકું એમ નથી, હું મારા પતિને છોડી શકું છું પણ સોશ્યલ મીડિયાને નહીં.
આ ઘટના આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયાની વધતી જતી નિર્ભરતાને દર્શાવે છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લૅટફૉર્મ પર લાઇક્સ અને કમેન્ટ્સની ચાહત લોકોને એ હદે જકડી રહી છે કે તેઓ વાસ્તવિક સંબંધો કરતાં એને વધારે મહત્ત્વ આપતા થઈ ગયા છે. સોશ્યલ મીડિયાનું આ વળગણ પારિવારિક સંબંધોમાં તાણ અને છૂટાછેડાનું પણ એક કારણ બની રહ્યું છે. લોકો આજે વર્ચ્યુઅલ દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે અસલી જિંદગી પાછળ છૂટી રહી છે.

