અતિક્રમણ હટાવવાના કામમાં આવતાં બુલડોઝર્સ પર હવે ચોરોનું મન લોભાયું છે
બિહારના મોતીહારીમાં તો બુલડોઝરની ચોરીનું વધી રહેલું પ્રમાણ ચિંતાજનક છે
બુલડોઝરની વાત આવે એટલે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથનો બુલડોઝર-ન્યાય જ યાદ આવે. જોકે હવે બુલડોઝર બિહારમાં પણ ગાજ્યાં છે. એનું કારણ જરા જુદું છે. અતિક્રમણ હટાવવાના કામમાં આવતાં બુલડોઝર્સ પર હવે ચોરોનું મન લોભાયું છે. કેટલાક ચોરોનું સંગઠન બુલડોઝરો ચોરવાનું કામ કરી રહ્યું છે. બિહારના મોતીહારીમાં તો બુલડોઝરની ચોરીનું વધી રહેલું પ્રમાણ ચિંતાજનક છે. એક સંગઠિત ચોરોની ગૅન્ગ બુલડોઝર અને ટ્રૅક્ટરની ચોરી કરી રહી છે. પહેલાં ગૅન્ગનો એક માણસ મશીન ક્યાં છે અને કેવી રીતે રાખવામાં આવ્યાં છે એની રેકી કરે છે. ક્યારે ચોરી શકાય એની તક તૈયાર કરી આપે છે અને બીજો એક માણસ મશીન ચોરી જાય છે. સ્વાભાવિક છે કે બુલડોઝર ઉપાડી ગયા પછી કંઈ એમ જ છુપાવીને તો રાખી શકાય નહીં એટલે તરત જ એ મશીનનાં કાગળિયાં અને એન્જિન-નંબરમાં હેરાફેરી કરી આપે એવી ગોઠવણ કરવામાં આવે છે. એ ગોટાળો કરીને આ મશીન ઉત્તર પ્રદેશ કે અન્ય રાજ્યમાં વેચી મારવામાં આવે છે. લગભગ મહિનાઓથી ચાલી રહેલું આ ષડ્યંત્ર છેક હવે બિહાર પોલીસે પકડી પાડ્યું છે. બુલડોઝર ચોરતી ગૅન્ગના લીડરને પકડી લીધો છે.


