પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી નવી રામલલ્લાની મૂર્તિને ‘બાલક રામ’ તરીકે ઓળખવામાં આવશે
ભગવાન રામની મૂર્તિ
સોમવારે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી નવી રામલલ્લાની મૂર્તિને ‘બાલક રામ’ તરીકે ઓળખવામાં આવશે, કારણ કે આ મૂર્તિમાં ભગવાન રામ પાંચ વર્ષના બાળસ્વરૂપે ઊભા છે. પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરાવનાર પૂજારી અરુણ દીક્ષિતે ભગવાન રામની મૂર્તિને ‘બાલક રામ’ નામ આપવાનું કારણ જણાવતાં કહ્યું કે ‘આ મૂર્તિમાં ભગવાન બાળકના રૂપમાં છે જેની ઉંમર પાંચ વર્ષની છે. પ્રથમ વખત જ્યારે મેં મૂર્તિ જોઈ ત્યારે હું રોમાંચિત થઈ ગયો અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં અને ત્યારે મેં અનુભવેલી લાગણી હું દર્શાવી શકું એમ નથી.’
વારાણસીના પૂજારી અરુણ દીક્ષિતે અત્યાર સુધી લગભગ ૫-૬૦ જેટલી મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કરેલી તમામ પ્રાણપ્રતિષ્ઠામાં મારા માટે આ સૌથી વધુ અલૌકિક અનુભવ હતો. દીક્ષિતે કહ્યું કે મને ૧૮ જાન્યુઆરીએ આ મૂર્તિની પ્રથમ ઝલક જોવા મળી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અનુસાર અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિત માનસ અને અલવંદર સ્તોત્રમ જેવા ગ્રંથના વ્યાપક સંશોધન અને અભ્યાસ પછી આ મૂર્તિ માટેનાં આભૂષણ તૈયાર કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
રામલલ્લાની મંગળા આરતી, શૃંગાર આરતી, ભોગ આરતી, ઉત્થાપન આરતી, સંધ્યા આરતી અને શયન આરતી મળી ૬ વખત આરતી થશે. ભગવાનને લાડ લડાવીને જગાડવાની આરતી મંગળા કહેવાય. નવાં કપડાં અને નવી જ્વેલરી પહેરીને તૈયાર કરાયેલા રામલલ્લાની શણગાર આરતી થશે. ભોગ આરતીમાં બાલક રામને પૂરી-શાક અને ખીર ધરાવવામાં આવશે. ઉત્થાપન આરતી રામલલ્લાને લાગેલી નજર ઉતારવા માટે હશે. લલ્લાને સુવડાવવાના સમયે શયન આરતી થશે. એ ભોગ ઉપરાંત બાળક રામને દૂધ, ફળ અને મીઠાઈ ધરાવવામાં આવશે. રામલલ્લાને સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે ગ્રીન, ગુરુવારે પીળાં, શુક્રવારે ક્રીમ, શનિવારે બ્લુ અને રવિવારે પિન્ક વસ્ત્રો ધારણ કરવામાં આવશે.
આભૂષણોમાં શું?
રામલલ્લાનાં આભૂષણોમાં ૧૮૫૬૭ હીરા જડવામાં આવ્યા છે. ૨૯૮૪ રુબી (માણેક), ૬૧૫ એમરલ્ડ (પન્ના) અને ૪૩૯ અનકટ હીરા વાપરવામાં આવ્યા છે. મુગટમાં ૭૫ કૅરૅટના ડાયમન્ડ છે. ૧૩૫ કૅરૅટના ઝૅમ્બિયન એમરલ્ડ અને ૨૬૨ કૅરૅટના રુબી તથા અન્ય જેમ્સ વપરાયા છે.


