૨૦૩૦૦ કિલોની હાઇડ્રોલિક ક્રેનને પાંચ મીટર સુધી ખેંચીને જૉર્ડન બિગ્ગી સ્ટિફને ‘શરીરના ઉપરના ભાગથી સૌથી ભારે વજનનું વાહન ખેંચવાનો’ રેકૉર્ડ તોડ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના સ્ટ્રૉન્ગમૅને બેસી રહીને ખેંચી ૨૦૩૦૦ કિલોની હાઇડ્રોલિક ક્રેન
૨૦૩૦૦ કિલોની હાઇડ્રોલિક ક્રેનને પાંચ મીટર સુધી ખેંચીને જૉર્ડન બિગ્ગી સ્ટિફને ‘શરીરના ઉપરના ભાગથી સૌથી ભારે વજનનું વાહન ખેંચવાનો’ રેકૉર્ડ તોડ્યો હતો. આ રેકૉર્ડ પૂરો કરવા માટે ચૅલેન્જરે બેસીને જ ખેંચવાનું હતું, એટલે કે તાકાત લગાવવા તે તેના પગનો ઉપયાગ નહીં કરી શકે. પાછલો રેકૉર્ડ કૅનેડાના કેવિન ફાસ્ટે ૨૦૨૧માં કર્યો હતો. મૅનહટનમાં તેણે ૧૩,૦૮૬ કિલોની એક પબ્લિક બસ ખેંચી હતી. જૉર્ડને માત્ર પોતાની બૅક અને આર્મ મસલ્સ પર ધ્યાન આપવા ૬ મહિના સુધી આ રેકૉર્ડ માટે તાલીમ લીધી હતી. જૉર્ડને તાજેતરનાં વર્ષોમાં જે બે મોટી ઈજાઓ પર કાબૂ મેળવ્યો છે એને ધ્યાનમાં રાખીને તાકાતનું આ જબરદસ્ત પરાક્રમ કરી બતાવ્યું હતું. ૨૦૧૯માં તેના ડાબા બાયશેપ ફાટી ગયા, અને ૨૦૨૧માં તેણે તેના જમણા બાયશેપમાં પણ એ જ પીડા સહન કરી હતી. દરેક વખતે તેણે ૧૨ અઠવાડિયાંની સર્જરી અને રિકવરીમાંથી પસાર થવું પડ્યું હતું, જેમાં તેને ફરી નવેસરથી શરૂઆત કરવાની જરૂર પડી. જૉર્ડન કહે છે કે આવું હંમેશાં શારીરિક અને માનસિક રીતે કઠિન હોય છે. મને ખૂબ જ સારું પ્રોફેશનલ હેલ્થકૅરનું મદદ કરતું નેટવર્ક મળ્યું છે. રેકૉર્ડ તોડ્યાનાં થોડાં અઠવાડિયાં પછી જૉર્ડને ૨૦૨૩ના રૉયલ ઍડીલેડ શોમાં ફરીથી અવિશ્વસનીય રીતે સ્ટન્ટ કર્યો, જ્યાં તેણે સ્ટરલાઇટ ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન માટે એક વિશાળ જાંબલી ક્રેન ખેંચીને લગભગ ૪૦,૦૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (૨૧,૫૫,૫૧૮ રૂપિયા) એકત્ર કર્યા હતા. જૉર્ડને કહ્યું કે હું આ અદ્ભુત લોકોના વિશાળ જૂથનો માત્ર એક નાનો ભાગ છું. તેણે ઇવેન્ટ આયોજકો અને લોડ ૨૮ ક્રેન હાયરનો આભાર માન્યો હતો, જેઓ નિયમિત સ્ટરલાઇટ ફાઉન્ડેશન માટે નાણાં ભેગાં કરે છે. જૉર્ડન કહે છે કે મારી પાસે આગામી મહિનાઓમાં વધુ વિક્રમ તોડવા માટે મોટી યોજનાઓ છે, જેમાં વિશ્વભરનાં વિવિધ સ્થળોએ વધુ સ્ટ્રૉન્ગમૅન સ્ટન્ટ્સ કરી ચૅરિટી માટે નાણાં ભેગાં કરવા માગે છે.


