ભારતીય ચિત્રકાર અમૃતા શેરગિલ દ્વારા ૧૯૩૭માં બનાવવામાં આવેલા ચિત્રના હરાજીમાં ૬૧.૮૦ કરોડ રૂપિયા ઊપજ્યા હતા.

ભારતમાં સૌથી વધુ કિંમતે ૬૧.૮૦ કરોડ રૂપિયામાં વેચાયું અમૃતા શેરગિલનું પેઇન્ટિંગ
ભારતીય ચિત્રકાર અમૃતા શેરગિલ દ્વારા ૧૯૩૭માં બનાવવામાં આવેલા ચિત્રના હરાજીમાં ૬૧.૮૦ કરોડ રૂપિયા ઊપજ્યા હતા. આમ એ ભારતમાં અત્યાર સુધી વેચાયેલું સૌથી મોંઘું ચિત્ર બન્યું હતું. નવી દિલ્હીના સેફ્રોન આર્ટ દ્વારા કરવામાં આવેલી હરાજીમાં એક ભારતીય ચાહકે ‘ધ સ્ટોરી ઑફ ટેલર’ નામનું આ ચિત્ર ખરીદ્યું હતું. ઑઇલ પેઇન્ટિંગ પર ૮૬ વર્ષ પહેલાં ચિત્રકારે સહી કરી છે અને તારીખ પણ લખેલી છે. ગયા મહિને સઈદ હૈદર રઝાનું પેઇન્ટિંગ ૫૧.૭૫ કરોડ રૂપિયામાં વેચાયું હતું. ભારતીય કલાના પ્રશંસકો પણ હવે કલાની મોટી કિંમત આપી રહ્યા છે. અમૃતા શેરગિલનું આ પેઇન્ટિંગ અત્યાર સુધી ૮૪ વખત હરાજીમાં આવ્યું છે. છેલ્લે
એ ૧૯૯૨માં વેચાયું હતું. જોકે અગાઉ
પણ અમૃતા શેરગિલનું ૧૯૩૮માં બનાવાયેલું પેઇન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ ૩૭.૮ કરોડ રૂપિયામાં વેચાયું હતું, જે એ સમયે સૌથી મોંઘી કિંમતે વેચાનારું બીજા ક્રમાંકનું ભારતીય પેઇન્ટિંગ બન્યું હતું. સમકાલીન ભારતીય ચિત્રકળા લોકપ્રિય બની રહી છે એ બાબતે આર્ટ ક્રિટિક ઉમા નાયરે આનંદ વ્યક્ત કર્યો હતો. અમૃતા શેરગિલને આધુનિક ભારતીય ચિત્રકલાનો નવો ચીલો ચાતરનારાં પ્રથમ ચિત્રકાર ગણવામાં આવે છે.