હવે તો એનું ફેસબુક અને ઇન્ટાગ્રામ પર અકાઉન્ટ બની ગયું છે અને છ લાખથી વધુ ફૉલોઅર્સ છે
ડૉગી
એક સમયે રસ્તા પર રઝળતી ડૉગી આજે અમેરિકામાં શાંતિદૂત બની ગઈ છે. લોકો એને પ્રેમ, કરુણા અને અહિંસાનું પ્રતીક માને છે. આ ડૉગીનું નામ છે અલોકા. અમેરિકામાં બૌદ્ધ ભિક્ષુઓની સાથે યાત્રા કરતી અલોકા નામની ઇન્ડિયન ડૉગીએ સોશ્યલ મીડિયા પર લોકોનાં દિલ જીતી લીધાં છે. જ્યૉર્જિયામાં ભિક્ષુકો સાથે પદયાત્રા કરી રહેલી અલોકાને લોકો શાંતિદૂત કહી રહ્યા છે. એના માથા પર દિલના આકારનું નિશાન છે અને એ ભિક્ષુકોની સાથે ચૂપચાપ ચાલતી જોવા મળે છે. વાત એમ છે કે થોડા સમય પહેલાં બૌદ્ધ ભિક્ષુઓ ભારતમાં ૧૧૨ દિવસની શાંતિયાત્રા કરી રહ્યા હતા. એ વખતે તેમને બેસહારા રખડુ ડૉગી મળી. બૌદ્ધ ભિક્ષુઓએ એનું નામ અલોકા રાખ્યું. એ પછી તો આ ડૉગી ભિક્ષુઓની સાથે જ પડછાયાની જેમ ચાલતી રહી. એની આ વફાદારીને કારણે ભિક્ષુકો જ્યાં પણ ગયા ત્યાં એને લેતા ગયા. હવે એ બૌદ્ધ ભિક્ષુકોની સાથે ૧૨૦ દિવસમાં ૨૩૦૦ માઇલની પદયાત્રામાં પણ સામેલ છે. આ પદયાત્રા અમેરિકાનાં ૧૦ રાજ્યોમાં થશે. શાંતિયાત્રામાં અલોકા એટલી ફેમસ થઈ ગઈ છે કે હવે તો એનું ફેસબુક અને ઇન્ટાગ્રામ પર અકાઉન્ટ બની ગયું છે અને છ લાખથી વધુ ફૉલોઅર્સ છે.


