પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષિકા ભાવના પટેલ પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે.
અજબ ગજબ
પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષિકા ભાવના પટેલ
ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં ‘નીકળી જાય તો હાથી પણ નીકળી જાય ને ન નીકળી શકે તો કીડી પણ ફસાઈ જાય’ એવી ઘટના બની છે. યાત્રાધામ અંબાજી નજીક પંચા ગામ છે. અહીંની પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષિકા ભાવના પટેલ પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે. ભાવનાબહેન ૨૦૧૩થી શિકાગોના કાયમી નાગરિક બની ગયાં છે. લગભગ ૮ વર્ષથી તેઓ ભારતમાં નથી રહેતાં છતાં સ્કૂલના રજિસ્ટરમાં તેમનું નામ યથાવત્ છે અને દર વર્ષે દિવાળીમાં શિકાગોથી આવે ત્યારે આખા વર્ષનો પગાર લઈ જાય છે. વિદ્યાર્થીઓ પણ કહે છે કે અમે બહેનને બે વર્ષથી સ્કૂલમાં જોયાં જ નથી. આ આખું ભોપાળું ત્યારે બહાર આવ્યું જ્યારે સ્કૂલનાં પ્રભારી પ્રિન્સિપાલ પારુલ મહેતાએ સ્થાનિક મીડિયાને કહ્યું કે ભાવનાબહેન ૨૦૧૬માં અમેરિકામાં સ્થાયી થયાં છે છતાં પેરોલ પર છે. ૨૦૧૬માં ભાવનાબહેન ત્યાં રહેવા જતાં રહ્યાં હતાં, પરંતુ નોકરી ચાલુ રાખવા માટે વર્ષમાં એક વાર સ્કૂલ આવતાં હતાં. વર્ષોથી આ પ્રમાણે થાય છે. પ્રભારી પ્રિન્સિપાલે આરોપ મૂક્યા પછી ગુજરાતના શિક્ષણપ્રધાન કુબેર ડિડોરે તપાસનો આદેશ આપ્યો છે. આવી પ્રથાની સરકાર મંજૂરી નથી આપતી અને જો ગેરકાયદે ગેરહાજરીનો આરોપ સાચો પડશે તો શિક્ષિકાને દંડ કરીને ચૂકવાયેલો પગાર પાછો લઈશું એવું પણ કહ્યું છે.