અર્બન ઇન્ડિયામાં પ્રોસેસ્ડ ફૂડ અને પીણાં પાછળનો ખર્ચ ત્રણ વર્ષમાં ૮ ટકાથી વધીને ૧૦.૬ ટકા થયો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘર ચલાવવા માટે માત્ર રાશનપાણીની જ જરૂર નથી હોતી. બીજી સવલતો, કાર, મોબાઇલ, ટ્રાવેલ, મનોરંજન પાછળ પણ ખર્ચ થતો જ હોય છે. ભારતીયોની ખર્ચ કરવાની પેટર્ન શું છે એ સમજાવતો એક રિપોર્ટ હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વે દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. એ મુજબ ભારતના લોકો કુલ ખર્ચના ૪૬ ટકા પૈસા ખાણીપીણી પાછળ ખર્ચે છે જેમાં પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તા તથા કોલ્ડ ડ્રિન્ક્સ સહિતનાં પીણાં પાછળનો ખર્ચ ૯૦.૬૨ ટકા છે. હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વેમાં આ રસપ્રદ તારણ સામે આવ્યાં છે. ખાણીપીણી સિવાય કાર, ઍર-કન્ડિશનર, મોબાઇલ ફોન જેવાં ડ્યુરેબલ્સ ગુડ્સ પાછળ ૬.૮૯ ટકા, દવા પાછળ ૭.૧૩ ટકા અને વિવિધ સુવિધાઓ કે સેવાઓ માટે ૭.૫૫ ટકા પૈસા ખર્ચે છે. સર્વેનાં કેટલાંક તારણોમાં બદલાતા ભારતની ઝલક પણ દેખાય છે. જેમ કે ગ્રામીણ ભારતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોસેસ્ડ ફૂડ્સ અને પીણાં પાછળનો ખર્ચ સતત વધ્યો છે. આ ખર્ચ ૨૦૦૯-’૧૦માં ૭.૪ ટકાથી વધીને ૨૦૨૨-’૨૩માં ૯.૬ ટકા થયો છે. એ જ રીતે દૂધ અને દૂધની બનાવટ પાછળનો ખર્ચ પણ ૭.૬ ટકાથી વધીને ૮.૩ ટકા થયો છે. જ્યારે અર્બન ઇન્ડિયામાં પ્રોસેસ્ડ ફૂડ અને પીણાં પાછળનો ખર્ચ ત્રણ વર્ષમાં ૮ ટકાથી વધીને ૧૦.૬ ટકા થયો છે.

