વ્હીલચૅરમાં ફરતા યુવકે હૃષીકેશમાં કર્યું બન્જી-જમ્પિંગ
બન્જી-જમ્પિંગ
બન્જી-જમ્પ કરવાનું સાહસ એ કાચાપોચા લોકોનું કામ નથી, પરંતુ હૃષીકેશમાં એક એવા યુવકે સેંકડો ફુટ ઊંચેથી આશાનો કૂદકો લગાવ્યો છે કે તેના સાહસની ચોમેર વાહવાહી થઈ રહી છે. હૃષીકેશ ઍડ્વેન્ચર્સ નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક વ્હીલચૅર બાઉન્ડ યુવક બન્જી જમ્પ કરે છે. આ વિડિયો ૨.૩ કરોડ વ્યુઝ સાથે જબરદસ્ત હિટ થયો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક યુવક જે પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો તે વ્હીલચૅરમાં જ બન્જી જમ્પિંગના સ્ટૅન્ડ સુધી પહોંચે છે. તેના મિત્રો અને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સના નિષ્ણાતો તેને સેફ્ટી ગિઅર્સ બાંધી આપે છે અને પછી પેલો યુવક જસ્ટ ઊભો થઈને જીવનભર યાદ રહી જાય એવો જમ્પ મારે છે. હૃષીકેશના પર્વતોની ઊંચાઈ પરથી તે હવામાં ક્યાંય સુધી લટકે છે અને પછી સેફલી લૅન્ડ કરે છે.

