ટીકાકારોનું કહેવું છે કે પંખીઓને મારી નાખવા એ ઉપાય નથી
કબૂતર
શહેરી કબૂતરોને મોટા ભાગે શહેરની માનવવસ્તી સાથે બહુ ફાવતું નથી. જર્મનીના લિમ્બર્ગ ટાઉનમાં પણ કબૂતરોએ કાળોકેર વર્તાવ્યો હોવાથી શહેરના મેયરે શહેરમાં કબૂતરોની વસ્તીને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવાનો ફતવો બહાર પાડ્યો છે. આવનારાં બે વર્ષમાં બાજપક્ષીઓને ટ્રેઇન કરનારા નિષ્ણાતોની મદદ લઈને શહેરમાં કબૂતરોની વસ્તીને નેસ્તનાબૂદ કરવાનું નક્કી કર્યું છે. બાજ ટ્રેઇનરો કબૂતરોને ટ્રૅપમાં લે છે અને પછી માથામાં લાકડાની સ્ટિક ઠોકીને ગરદન મરોડીને પક્ષીને મારી નાખતા હોય છે. જોકે શહેરના મેયરના આ નિર્ણયથી પ્રાણીહક માટે લડતા ઍક્ટિવિસ્ટો હરકતમાં આવી ગયા છે. ટીકાકારોનું કહેવું છે કે પંખીઓને મારી નાખવા એ ઉપાય નથી. એકલ-દોકલ બચી ગયેલાં પંખીઓમાંથી પણ વસ્તી વધી જ શકે છે. જર્મનીના ફ્રેન્કર્ટમાં કબૂતરોને ચણમાં બર્થ-કન્ટ્રોલ પિલ્સ આપવામાં આવે છે અને તેમનાં એગ્સને પ્લાસ્ટરનાં ઈંડાંથી રિપ્લેસ કરીને સંખ્યાને કાબૂમાં લાવવાનું કામ થઈ રહ્યું છે.

