ભેંસનાં બચ્ચાંઓને પણ પોલીસ-સ્ટેશનમાં ‘હાજર’ થવું પડ્યું હતું
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે આરોપીની ઓળખ-પરેડ કરાવાતી હોય છે, પણ રાજસ્થાનના જોધપુરમાં ભેંસના માલિકની ઓળખ કરાવવી પડી હતી. એ તો ઠીક, ભેંસનાં બચ્ચાંઓને પણ પોલીસ-સ્ટેશનમાં ‘હાજર’ થવું પડ્યું હતું. બન્યું એવું કે ૩૦ નવેમ્બરે રાતે અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સુભાષ વિશ્નોઈ ટીમ સાથે પૅટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે મોડી રાતે ૩ વાગ્યે તેમણે એક જણને ૩ ભેંસ લઈને જતો જોયો. વિશ્નોઈએ તેને અટકાવીને પૂછપરછ કરી, પણ તેના જવાબથી સંતોષ ન થયો એટલે ત્રણેય ભેંસને પોલીસ-સ્ટેશન લઈ જઈને બાંધી દીધી. બીજા દિવસે એ માણસને પોલીસ-સ્ટેશન બોલાવ્યો અને ત્રણેય ભેંસના માલિક શોધવા માટે વિડિયો બનાવ્યો અને વાઇરલ કર્યો. એ વિડિયો જોઈને ઉદયમંદિરમાં રહેતો મોહમ્મદ શરીફ પોલીસ-સ્ટેશન આવ્યો. તેણે કહ્યું કે આ ત્રણેય ભેંસ મારી છે. પોલીસે કહ્યું કે ભેંસ તારી હોય તો એ ભેંસનાં બચ્ચાં લઈ આવ. શરીફ એ વાછરડાં પોલીસ-સ્ટેશન લઈ આવ્યો. વાછરડાં ભેંસનું દૂધ પીવા માંડ્યાં એટલે પોલીસને વિશ્વાસ બેઠો કે શરીફ જ અસલી માલિક છે. પછી શરીફને ત્રણેય ભેંસ સોંપી દીધી હતી.