૧૦ જુલાઈએ રાતે તેની મમ્મીએ ભીંડાની કઢી બનાવી હોવાથી તેની સાથે ભારે દલીલ કર્યા બાદ તે ગુસ્સામાં ઘરેથી ચાલ્યો ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
નાગપુરમાં ૧૭ વર્ષનો એક છોકરો તેની મમ્મીએ ઘરમાં ભીંડાની કઢી બનાવી હોવાથી ગુસ્સે ભરાઈને ૧૦ જુલાઈએ રાતે ૧૧ વાગ્યે ઘરેથી નાસી ગયો હતો. જોકે નાગપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તેને દિલ્હીમાં શોધી કાઢ્યો હતો અને નાગપુર લઈ આવ્યા હતા. આ છોકરાના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેણે હમણાં જ બારમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને કૉલેજમાં ઍડ્મિશનની તૈયારી કરી રહ્યો હતો. તેને ભીંડા નથી ભાવતા અને ઘણી વાર ભીંડાના શાક કે ભીંડામાંથી બનતી કોઈ વાનગી ઘરે બને ત્યારે તે મમ્મી સાથે ઝઘડો કરતો હતો. ૧૦ જુલાઈએ રાતે તેની મમ્મીએ ભીંડાની કઢી બનાવી હોવાથી તેની સાથે ભારે દલીલ કર્યા બાદ તે ગુસ્સામાં ઘરેથી ચાલ્યો ગયો હતો અને નાગપુરથી દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગયો હતો. જોકે મહિલા પોલીસ અધિકારી લલિતા તોડસેની ટીમે દિલ્હીમાં સંપર્ક કરીને આ છોકરાને પકડી લીધો હતો.


