ઝોમાટોમાં ૪.૧૯ ટકાની હિસ્સેદારી ધરાવતા ગોયલના ખાતામાં ૧૬૩૮ કરોડ રૂપિયા જમા થઈ ગયા છે
દીપિન્દર ગોયલ
ફૂડ ડિલિવરી ચેઇન ઝોમાટો લિમિટેડ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) દીપિન્દર ગોયલને શૅરબજારમાંથી શુક્રવારે ૧૬૦૦ કરોડની ‘ક્વિક ડિલિવરી’ થઈ હતી. અમેરિકામાં મંદીની આશંકાને પગલે વૈશ્વિક બજારો ધોવાઈ જતાં સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શૅરબજારમાંય તેજીને બ્રેક લાગી ગઈ હતી. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા, પરંતુ ઝોમાટોને લૉટરી લાગી ગઈ હતી. ઝોમાટોના શૅર શુક્રવારે ૧૯ ટકા વધીને ૨૭૮.૭૦ રૂપિયાએ ઑલ ટાઇમ હાઈ લેવલે પહોંચ્યા હતા. આ સાથે જ કંપનીનું માર્કેટ કૅપિટલ ૨.૪૬ લાખ રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ઝોમાટોમાં તેજીની સુપરફાસ્ટ ડિલિવરીને કારણે કંપનીના સ્થાપક અને CEO દીપિન્દર ગોયલની નેટવર્થમાં કલાકોમાં જ ૧૬૦૦ કરોડથી વધુ રૂપિયાનો વધારો થયો છે. ફૉર્બ્સ રિયલ ટાઇમ બિલ્યનેર લિસ્ટ પ્રમાણે દીપિન્દર ગોયલની નેટવર્થ હવે ૧.૭ અબજ ડૉલરે પહોંચી ગઈ છે. ઝોમાટોમાં ૪.૧૯ ટકાની હિસ્સેદારી ધરાવતા ગોયલના ખાતામાં ૧૬૩૮ કરોડ રૂપિયા જમા થઈ ગયા છે અને એ કારણથી કંપનીમાં તેમની સ્ટેકવૅલ્યુ ૧૦,૨૮૮ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે.

