બાંકુરામાં બીજેપીના કાર્યકરોએ તેમની પાર્ટી ઑફિસમાં કેન્દ્રીય પ્રધાન સુભાષ સરકારને કેદ કર્યા, પોલીસે બચાવ્યા

કેન્દ્રીય પ્રધાન સુભાષ સરકારને કેદ કરનારા બીજેપીના કાર્યકરો
પશ્ચિમ બંગાળમાં બીજેપીમાં આંતરિક વિખવાદની એક ઘટના બની હતી. આ રાજ્યના બાંકુરામાં ગઈ કાલે બીજેપીના કાર્યકરોએ તેમની પાર્ટી ઑફિસમાં કેન્દ્રીય પ્રધાન સુભાષ સરકારને કેદ કરી દીધા હતા.
તેમણે આરોપ મૂક્યો હતો કે સુભાષ સરકાર સરમુખત્યારની જેમ આ જિલ્લામાં બીજેપી યુનિટને ચલાવી રહ્યા છે.
સરકાર બાંકુરાના એમપી અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન છે. તેઓ બપોરે એક વાગ્યાની આસપાસ એક મીટિંગ કરી રહ્યા હતા. એ સમયે બીજેપીના કાર્યકરોનું એક ગ્રુપ સૂત્રોચ્ચાર કરતું પાર્ટીની જિલ્લા ઑફિસ તરફ કૂચ કરતું આગળ વધ્યું હતું. એ પછી કાર્યકરોએ તેમને કેદ કરી દીધા હતા.
વિરોધ-પ્રદર્શન કરનારાઓમાં સામેલ મોહિત શર્માએ આરોપ મૂક્યો હતો કે સરકાર પાર્ટીના સમર્પિત કાર્યકરોને મહત્ત્વ આપતા નથી અને તેમની નજીકના લોકોને જ જિલ્લા કમિટીના મેમ્બર્સ બનાવે છે.
તેણે આરોપ મૂક્યો હતો કે ‘અમારામાંથી કેટલાકને નોટિસ આપવામાં આવી છે. અમે પાર્ટીને બચાવવા માટે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છીએ. આ વખતે સુભાષ સરકારની અક્ષમતાના કારણે બીજેપીને બાંકુરા મ્યુનિસિપાલિટીમાં એક પણ સીટ મળી નથી. બીજેપી આ પહેલાંની ચૂંટણીમાં બે વૉર્ડ જીત્યું હતું.’
આ અંધાધૂંધી વચ્ચે બીજેપી વર્કર્સનું બીજું એક ગ્રુપ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. બંને ગ્રુપ્સ વચ્ચે લડાઈ થઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પાર્ટીની ઑફિસમાં પહોંચ્યો હતો અને સરકારને બચાવ્યા હતા.
શાસક ટીએમસીએ આ ઘટનાની એક વિડિયો ક્લિપને શૅર કરીને દાવો કર્યો હતો કે આંતરિક વિખવાદ ચરમસીમાએ હોવાથી રાજ્ય બીજેપીનું પતન થઈ રહ્યું છે.
બીજેપી જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે. જો કોઈને ફરિયાદ હોય તો એને રજૂ કરવા માટે યોગ્ય મંચ છે. અમે આ ઘટનાની તપાસ કરીશું અને એમાં સંકળાયેલા લોકોની વિરુદ્ધ ઍક્શન લેવામાં આવશે. - સમિક ભટ્ટાચાર્ય, બીજેપીના પ્રવક્તા