માત્ર ૧૨ વર્ષની કિશોરી પર ૭૫ વર્ષના મોહમ્મદ ઉસ્માને બળાત્કાર કરતાં લોકોમાં ભારે રોષનો માહોલ : મૉલ રોડ પર સશસ્ત્ર સીમા બળ તહેનાત, જવાનોએ કરી ફ્લૅગ માર્ચ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડના નૈનીતાલમાં બુધવારે ૧૨ વર્ષની કિશોરી પર ૭૫ વર્ષના મોહમ્મદ ઉસ્માને બળાત્કાર કર્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ટૂરિસ્ટ સીઝનની શરૂઆતમાં જ નૈનીતાલમાં દુકાનો અને માર્કેટો બંધ કરી દેવામાં આવી છે, સ્કૂલો બંધ છે અને શહેરમાં જાણે અરાજકતાનો માહોલ છે. લોકો સતત વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. શહેરમાં સાંપ્રદાયિક ટેન્શનનો માહોલ છે. લોકોનો આક્રોશ અને લગાતાર વિરોધ-પ્રદર્શનના પગલે નૈનીતાલના મૉલ રોડ પર સશસ્ત્ર સીમા બળ (SSB)ને તહેનાત કરવામાં આવ્યું છે અને જવાનોએ ફ્લૅગ માર્ચ કરી હતી.
બુધવારે આ ઘટના સામે આવી ત્યારે જ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. તેમણે મુસ્લિમોની દુકાનોને નિશાન બનાવી હતી અને હોટેલોમાં તોડફોડ કરી હતી. પોલીસે ગુરુવારે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આમ છતાં લોકોનો વિરોધ શાંત થઈ રહ્યો નથી.
ADVERTISEMENT
ગઈ કાલે શુક્રવારે સતત ત્રીજા દિવસે પણ વિરોધ-પ્રદર્શન ચાલુ રહ્યું હતું. લોકો મુસ્લિમોના ધાર્મિક સ્થળ તરફ જવા લાગ્યા હતા અને એને કારણે પોલીસે તેમને રોક્યા હતા. પોલીસે રોક્યા બાદ ધક્કામુક્કી જેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. લોકોએ પોલીસની ઑફિસની સામે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.


