મોહાલી કોર્ટ દ્વારા શનિવારે બગ્ગાની વિરુદ્ધ બિનજામીનપાત્ર અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું

ફાઇલ તસવીર
બીજેપીના નેતા તજિન્દર બગ્ગાના કેસમાં ખૂબ જ ટ્વિસ્ટ્સ આવી રહ્યા છે. હવે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે શનિવારે રાત્રે સુનાવણી હાથ ધરીને ૧૦ મે સુધી બગ્ગાની વિરુદ્ધ કોઈ પણ સખત પગલાં ન લેવા માટે પંજાબ સરકારને આદેશ આપ્યો છે.
મોહાલી કોર્ટ દ્વારા શનિવારે બગ્ગાની વિરુદ્ધ બિનજામીનપાત્ર અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જેને બગ્ગાએ હાઈ કોર્ટમાં પડકાર્યું હતું. આ કેસમાં બગ્ગાની વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન, વૈમનસ્ય ફેલાવવા અને અપરાધિક ધાકધમકીના આરોપો મૂકવામાં આવ્યા છે. ચંડીગઢમાં જસ્ટિસ અનુપ ચિત્કારાના નિવાસસ્થાને બગ્ગાની અરજી પર તાત્કાલિક સુનાવણી થઈ હતી.
જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ રવતેશ ઇન્દરજિત સિંહની કોર્ટ દ્વારા બગ્ગાની વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. આ પહેલાં પંજાબ પોલીસ દ્વારા બગ્ગાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે હરિયાણાની પોલીસ ટીમે પંજાબ પોલીસની ટીમને અટકાવી હતી અને આખરે દિલ્હી પોલીસની ટીમ બગ્ગાને લઈને પાછી દિલ્હી ગઈ હતી.