‘હું અતિશયોક્તિ કરતો નથી, પરંતુ હું પોતે ૨૦૦થી ૨૫૦ મોતનો સાક્ષી છું. પરિવારો કચડાઈ ગયા હતા. અંગો વિનાના મૃતદેહો અને પાટા પર લોહી જ લોહી હતું. હું એ દૃશ્ય નહીં ભૂલું.’ - કોરોમંડલ એક્સપ્રેસના પૅસેન્જર અનુભવ દાસ

બાલાસોરમાં ગઈ કાલે અકસ્માતના સ્થળેથી રિકવર કરવામાં આવેલા મૃતદેહો. એ.એન.આઇ.
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે થયેલા ભયાનક ટ્રેન-અકસ્માતમાં ૨૮૮ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૧૦૦૦ લોકોને ઈજા થઈ છે. આ છેલ્લાં ૨૦ વર્ષમાં દેશમાં થયેલો સૌથી જીવલેણ રેલવે અકસ્માત છે. બૅન્ગલોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક ગુડ્સ ટ્રેનની વચ્ચે અકસ્માત થયો હતો. ઓડિશામાં ટ્રેન-અકસ્માતમાં બચી જનારી વ્યક્તિઓએ એ ભયાનક પળોને વર્ણવી હતી. કોરોમંડલ એક્સપ્રેસના પૅસેન્જર અનુભવ દાસે આ દુર્ઘટનાને વર્ણવવા માટે ટ્વીટ્સની એક સિરીઝ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે ‘હું અતિશયોક્તિ કરતો નથી, પરંતુ હું પોતે ૨૦૦થી ૨૫૦ મોતનો સાક્ષી છું. પરિવારો કચડાઈ ગયા હતા. અંગો વિનાના મૃતદેહો અને પાટા પર લોહી જ લોહી હતું. હું એ દૃશ્ય નહીં ભૂલું.’
કોરોમંડલ એક્સપ્રેસમાં ચેન્નઈ જઈ રહેલા શ્રમિક સંજય મુખિયાએ કહ્યું હતું કે ‘બધું જ હચમચતું હતું અને કોચ ઊથલી પડ્યો હતો.’
અંધારું હોવાને કારણે વિલાપ કરી રહેલા લોકો પોતાના પરિવારજનોને શોધતા રહ્યા હતા. કેટલાકનું ધડ મળ્યું તો પગ નહોતા. લોકો આક્રંદ કરતાં-કરતાં પોતાના પરિવારજનોનાં અંગો ભેગાં કરતા હતા. એક પૅસેન્જરે કહ્યું હતું કે ‘ટ્રેન-અકસ્માત થયો ત્યારે હું સૂતો હતો. ૧૦થી ૧૫ જણ મારા શરીર પર પડ્યા હતા. હું કોચમાંથી જેમ-તેમ કરીને બહાર નીકળ્યો ત્યારે મેં ચારે બાજુ વિખેરાયેલાં માવનઅંગ જોયાં હતાં, ક્યાંક માથું હતું તો ક્યાંક હાથ. કોઈનો ચહેરો ઓળખી ન શકાય એ રીતે ખરાબ થયો હતો.’
કર્ણાટકના ચિકમગલુર જિલ્લાના સામંથ જૈને કહ્યું હતું કે ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મારી લાઇફમાં આટલો ભયાનક અકસ્માત જોઈશ. ચારે બાજુ મૃતદેહ હતા. અનેક મૃતદેહોનાં કેટલાંક અંગો નહોતાં.’
ખોટી લાઇનમાં એન્ટર થતાં થયો અકસ્માત ?
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કોરોમંડલ ટ્રેન મેઇન લાઇનને બદલે લૂપ લાઇનમાં એન્ટર થતાં દુર્ઘટના સર્જાઈ
ટ્રેન અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સોર્સિસ અનુસાર પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન બહાનગર બઝાર સ્ટેશનની બિલકુલ પહેલાં મેઇન લાઇનને બદલે લૂપ લાઇનમાં એન્ટર થઈ અને ત્યાં પાર્ક કરેલી ગુડ્સ ટ્રેનની સાથે ટકરાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસના કોચ પાસેના ટ્રૅક પર પડ્યા બાદ એની સાથે ટકરાયા બાદ બૅન્ગલોર-હાવડા એક્સપ્રેસના કોચ પણ ઊથલી પડ્યા હતા. બન્ને ટ્રેનમાં ૨૦૦૦ પૅસેન્જર્સ હતા.
રેલવે પ્લૅટફૉર્મ પર મેઇન લાઇન્સમાંથી જરૂરિયાત અનુસાર બેથી ચાર વધારાની લાઇન્સ કાઢવામાં આવે છે જે ટ્રેનને પ્લૅટફૉર્મ સુધી પહોંચાડે છે કે પછી સાઇડમાં માલગાડીને ઊભી રાખવામાં કામમાં આવે છે. જેને લૂપ લાઇન કહેવામાં આવે છે.
આ પ્રાથમિક રિપોર્ટથી અલગ એક અધિકારીએ એમ જણાવ્યું હતું કે ‘બૅન્ગલોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના અનેક કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. આ કોચ બાજુના ટ્રૅક પર પડ્યા હતા અને એ શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસની સાથે ટકરાયા અને એના કોચ પણ ખડી પડ્યા હતા. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક કોચ ગુડ્ઝ ટ્રેનની સાથે ટકરાયા હતા. કોરોમંડલ એક્સપ્રેસની સ્પીડ એ સમયે ૧૨૮ કિલોમીટર પ્રતિ કલાક હતી, જ્યારે બૅન્ગલોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસની સ્પીડ ૧૧૬ કિલોમીટર પ્રતિ કલાક હતી. સોર્સિસ અનુસાર પ્રાથમિક તપાસનો રિપોર્ટ રેલવે બોર્ડને સોંપી દેવામાં આવ્યો છે. સોર્સિસે આ પહેલાં જણાવ્યું હતું કે આ ક્રૅશનું કારણ સિગ્નલ ફેલ્યર હોઈ શકે છે. કોઈ પણ ઑથોરિટીએ ભાંગફોડની શક્યતા વિશે વાત કરી નથી.
જ્યાં ટ્રેન્સ ટકરાઈ એ ટ્રૅક પર ‘કવચ’ સેફ્ટી સિસ્ટમ નહોતી
બાલાસોર જિલ્લામાં ગઈ કાલે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ સાથે વાતચીત કરી રહેલા રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને બીજેપીના સંસદસભ્ય પ્રતાપ સારંગી.
પી.ટી.આઇ.
માનવીય ભૂલ કે અન્ય પરિબળોના કારણે થતા અકસ્માતોને નિવારવા માટે ભારતીય રેલવે દ્વારા ડેવલપ કરવામાં આવેલી એક સિસ્ટમ બાલાસોરમાં ટ્રૅક્સ પર અવેલેબેલ નહોતી, જ્યાં શુક્રવારે સાંજે ટ્રેન્સ ટકરાઈ હતી. ભારતીય રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રેસ્ક્યુ કામગીરી પૂરી થઈ ગઈ છે. આ રૂટ પર કવચ સિસ્ટમ અવેલેબેલ નહોતી.’ કવચ એ ઑટોમૅટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. કવચ ટ્રેન-અકસ્માતને રોકવા માટે મદદરૂપ છે. જો એક જ ટ્રૅક પર બે ટ્રેન આમને-સામને આવી રહી હોય અને બન્નેમાં ડિવાઇસ હોય તો લોકોમોટિવ પાઇલટને પહેલાંથી જ જાણકારી મળી જશે. ટ્રેન એકબીજા સાથે ટકરાય એવી સ્થિતિ જ નહીં સરજાય. ચોક્કસ અંતરે ટ્રેનને રોકી શકાશે.