Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar

જહાં ચાહ વહાં રાહ

29 November, 2023 11:56 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

માણસ ચાહે ગમે એટલી પ્રગતિ કરી લે, કુદરત સામે હંમેશાં લાચાર જ રહેશે. આ સત્ય હકીકત ફરી એક વાર ૧૨ નવેમ્બરે કુદરતે સાબિત કરી દેખાડી. ફેરબદલ સાથે પ્રગતિ એ સૃષ્ટિનો નિયમ છે એની ના નહીં! ઉત્તરાખંડની સિલ્કયારા ટનલનું જે કામ થઈ રહ્યું હતું એ આખરે તો..

સિલ્ક્યારા ટનલ પાસે રેડી પોઝિશનમાં ઍમ્બ્યુલન્સ.

ઇન-ડેપથ

સિલ્ક્યારા ટનલ પાસે રેડી પોઝિશનમાં ઍમ્બ્યુલન્સ.


આ ઘટના જે ઘટી એ કોઈ નાનીસૂની નહોતી. ૧૭-૧૭ દિવસ સુધી કોઈ અકસ્માતમાં રેસ્ક્યુ ઑપરેશન ચલાવવું પડે અને મહામહેનતે એમાં સફળ થઈ શકાય ત્યારે અંતે તો આપણે ઈશ્વરનો જ પાડ માનવો પડે! પરંતુ સાથે જ આપણી ભીતરની જિજ્ઞાસા સતત એવી ઇચ્છા તો રાખી જ રહી હોય કે આખરે આ બન્યું કઈ રીતે? અને ત્યાર બાદ આટલું મોટું રેસ્ક્યુ ઑપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું હશે? કારણ કે કોઈ એક-બે વ્યક્તિના પ્રયાસથી આટલું મોટું બચાવકાર્ય કરી શકાય એ તો શક્યતા જ નથી!


તો વાત કંઈક એવી છે કે હિન્દુઓમાં અત્યંત પવિત્ર યાત્રાધામ ગણાતાં એવાં ચારધામ કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આખા વર્ષ દરમિયાન થઈ શકતી નથી. વર્ષના અમુક જ દિવસો માટે આ યાત્રા યાત્રિકો માટે ખૂલતી હોય છે. હવે ભારત સરકાર અને ઉત્તરાખંડ સરકારનો આશય હતો કે આ ધામોની માર્ગવ્યવસ્થા કંઈક એ રીતે સુદૃઢ બનાવવામાં આવે જેથી વર્ષના કોઈ પણ મહિનાઓ દરમિયાન ત્યાં સુધી પહોંચી શકાય. આ જ આશયથી શરૂ થયેલા રોડ-કન્સ્ટ્રક્શનના અનેક પ્રોજેક્ટ્સમાંનો એક પ્રોજેક્ટ હતો યમુનોત્રી તરફ જતા માર્ગમાં ઉત્તરકાશી નજીક બનતી સિલ્કયારા-બારકોટ ટનલ. આ પ્રોજેક્ટનો સૌથી મોટો લાભ એ છે કે ચારધામ યાત્રામાં યમુનોત્રી તરફ જવાનો માર્ગ આ ટનલને કારણે ૨૦ કિલોમીટર જેટલો ઘટી શકે અને સાથે જ વર્ષના કોઈ પણ મહિનામાં વાહનવ્યવહાર ચાલુ રહે. જોકે ૧૨ નવેમ્બરની સવારે ૫.૩૦ વાગ્યે એ અન્ડર-કન્સ્ટ્રક્શન ટનલમાં ભૂસ્ખલન થયું અને કામ કરતા ૪૧ જેટલા કારીગરો ટનલના અંદરના ભાગમાં ફસાઈ ગયા. આ ભૂસ્ખલન એટલું જબરદસ્ત હતું કે એના કાટમાળમાંથી એ કારીગરો જાતે બહાર નીકળી શકે એ શક્ય નહોતું. સાથે જ બહારથી માત્ર માણસોના પ્રયાસ દ્વારા પણ એ કાટમાળ હટાવી શકાય એમ નહોતો. આટલી મોટી હોનારતની જેવી ખબર પડી કે યુદ્ધના ધોરણે તેમને હેમખેમ બચાવી લેવાના પ્રયાસો આરંભી દેવામાં આવ્યા. પરંતુ આ પ્રોજેક્ટ કોના હસ્તક હતો? કઈ કંપની આ ટનલ બનાવી રહી હતી?




નવયુગ એન્જિનિયરિંગ કંપની
આ ટનલનો પ્રોજેક્ટ નવયુગ એન્જિનિયરિંગ નામની કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્યરત એવી કંપની પાસે હતો જેના ૪૧ કર્મચારીઓ આ ટનલમાં ફસાયા. આ નવયુગ એન્જિનિયરિંગ એ જ કંપની છે જેના બીજા એક પ્રોજેક્ટમાં આજથી અંદાજે ત્રણેક મહિના પહેલાં જ બીજી પણ એક મોટી હોનારત થઈ હતી. યાદ છે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે? ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજથી ત્રણેક મહિના પહેલાં એ એક્સપ્રેસવેના પ્રોજેક્ટમાં એક ગેન્ટ્રી ક્રેન તૂટી પડી હતી. ત્યાં ફરજ પર હાજર એન્જિનિયર્સ અને કામ કરતા મજૂરો સહિત ૨૦ માણસો એ ક્રેન તૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

ત્યાર બાદ નવયુગ એન્જિનિયરિંગ સાથે હવે આ બીજી ઘટના બની. ટનલના લગભગ ૨૬૫ મીટર અંદરના વિસ્તારમાં આ ભૂસ્ખલન થયું. ૨૬૫ મીટર જેટલી ટનલનું કામ થઈ ચૂક્યું હતું અને અંદરના ભાગે ટનલની કૉન્ક્રીટ ફ્રેમ અર્થાત્ અર્ધગોળાકાર ઢાંચો તૈયાર થઈ ચૂક્યો હતો. જોકે વિવાદો જાણે નવયુગ કંપનીનો પીછો નથી છોડી રહ્યા. એવું નથી કે આ કંપની માત્ર પ્રોજેક્ટ્સની બાબતમાં જ વિવાદાસ્પદ રહી છે. રાજકારણીય કનેક્શન્સની દૃષ્ટિએ પણ એનું નામ અનેક વાર ઊછળતું રહ્યું છે. હૈદરાબાદની આ કંપનીએ જ્યારે તેલુગુ દેસમ્ પાર્ટીની સરકાર હતી ત્યારે અનેક પ્રોજેક્ટ્સ મેળવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૯માં આંધ્ર પ્રદેશમાં સત્તાપલટો થયો અને YSR જગનમોહન રેડ્ડીની સરકાર આવી. YSR રેડ્ડીને લાગતું હતું કે નવયુગ એન્જિનિયરિંગ તેલુગુ દેસમ્ પાર્ટીને સપોર્ટ કરનારી અને લાભ લેનારી કંપની છે. ત્યારથી શરૂ થયો કૉર્પોરેટ દુશ્મનાવટની સાથે રાજકારણીય દુશ્મનાવટનો પણ એક નવો સિલસિલો. 
એટલું જ નહીં, ૨૦૧૮ની સાલના ઑક્ટોબર મહિનામાં નવયુગ એન્જિનિયરિંગ પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટની રેઇડ પણ પડી હતી, જેમાં કંપનીએ ઇન્ક્મ ટૅક્સના અનેક કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાની સાથે મની લૉન્ડરિંગના પણ આરોપો લાગ્યા હતા. એ જ નવયુગ એન્જિનિયરિંગ પાસે એક સમયે આંધ્ર પ્રદેશના ક્રિષ્નાપટ્ટમ પોર્ટનું પણ ઑપરેશન હતું, પરંતુ જુલાઈ ૨૦૨૦ની સાલમાં યુનિયન મિનિસ્ટ્રી ઑફ ફાઇનાન્સે પરવાનગી આપી અને અદાણી પોર્ટ કંપની દ્વારા એ પોર્ટનો ૭૫ ટકા હિસ્સો નવયુગ પાસે ખરીદી લેવામાં આવ્યો. ત્યાર બાદ ૨૦૨૧ની સાલમાં તો અદાણી પોર્ટે ક્રિષ્નાપટ્ટમ પોર્ટનો બાકીનો ૨૫ ટકા હિસ્સો પણ ખરીદી લીધો. જોકે એ પહેલાં ૨૦૧૮ની સાલમાં નવયુગને ચારધામ યાત્રાના રોડ પ્રોજેક્ટ્સના અનેક કૉન્ટ્રૅક્ટ્સ મળી ચૂક્યા હતા. ૨૦૨૦ના મધ્યમાં તો નવયુગ એન્જિનિયરિંગે હૃષીકેશ-કન્યાકુમારી રેલ લિન્ક પ્રોજેક્ટ પણ હસ્તગત કર્યો.


આથી કંપની કે એના કર્મચારીઓ બિનઅનુભવી હતા એમ તો કહી શકાય નહીં. હા, એટલું જરૂર કહી શકાય કે કદાચ કુદરતે આ હોનારત પહેલાં કોઈક અસુરક્ષાના સંકેતો આપ્યા હોય અને એ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર કામદારોએ કે કન્સ્ટ્રક્શન એક્સપર્ટ્સે નજરઅંદાજ કર્યા હોય. ખેર, એ તો શોધખોળનો વિષય રહ્યો; પરંતુ પરિણામ તો એ આવ્યું કે આખરે આટલો મોટો અકસ્માત સર્જાયો અને એ માટે શરૂ કરવું પડ્યું યુદ્ધના ધોરણે બચાવકાર્ય.
રેસ્ક્યુ ઑપરેશન - સિલ્કયારા ટનલ 
સતત ૧૭ દિવસ સુધી ચાલેલું આ રેસ્ક્યુ ઑપરેશન પોતાનામાં જ એક મોટી ચુનૌતી જેવું હતું. ચારથી પાંચ સરકારી એજન્સીઓ, બેથી ત્રણ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સિસ, પાંચથી છ કંપનીઓ અને સાથે સેનાની અલગ-અલગ વિન્ગ્સ દિવસ-રાત કામે લાગી ત્યારે આખરે આ આખું ઑપરેશન સફળતાપૂર્વક પૂરું કરી શક્યા અને તમામેતમામ કામદારોને બચાવી શકાયા.
આ અકસ્માત સર્જાયો હતો ૧૨ નવેમ્બરની સવારે અને ખબર પડતાં જ તરત યુદ્ધના ધોરણે શરૂ થયું બચાવકાર્ય. સામાન્ય રીતે આવી કોઈ અને આટલી મોટી અણધારી ઘટના બને ત્યારે પહેલાં તો શું કરવું અને કઈ રીતે કરવું એ નક્કી કરવામાં જ મોટો વિલંબ થઈ જતો હોય છે. જોકે સદનસીબે અહીં બચાવકાર્ય તરત આરંભી દેવામાં આવ્યું. સ્વાભાવિક છે કે કામ ચાલુ હોય એવી સાઇટ હોવાને કારણે સૌથી પહેલાં ત્યાં પ્રોજેક્ટ પર કામ કરતો સ્ટાફ જ હાજર હોય. તેમણે પહેલાં તો શરૂ કર્યું અકસ્માત કઈ રીતનો અને કેટલો મોટો છે એનો અંદાજ મેળવવાનું. ત્યાર બાદ રાજ્ય સરકારને રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને શરૂ થયું મોટા પાયે રાહતકાર્ય. સ્ટેટ ગવર્નમેન્ટે કેન્દ્ર સરકારને પણ આ ઘટનાની જાણ કરી અને તરત એક્સપર્ટ્સ સાથે કન્સલ્ટેશન શરૂ થયું. ONGC અને કોલ ઇન્ડિયા જેવી કંપનીના અન્ડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન ઍન્ડ સેફ્ટી એક્સપર્ટને તાકીદે બોલાવી લેવામાં આવ્યા. સાથે જ નવયુગના એન્જિનિયર્સ કામે લાગ્યા અને ડિઝૅસ્ટર એજન્સી અને સેનાના અધિકારીઓ સાથે મળી શરૂ થયું રેસ્ક્યુ ઑપરેશનનું પ્લાનિંગ અને ઍક્શન. 

બચાવકર્તાઓને પહેલી સફળતા મળી અકસ્માતના એક દિવસ (ચોવીસ કલાક) પછી. આખો એક દિવસ અને એક રાત વીતી ગયા બાદ બચાવકર્મીઓ વૉકીટૉકી દ્વારા અંદર ફસાયેલા કર્મચારીઓ સાથે સંપર્ક સાધી શક્યા. તેમણે પીડિતો પાસેથી સૌથી પહેલાં એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ ક્યાં ફસાયા છે અને કેવી હાલતમાં છે? વાતચીત પછી ખબર મળી કે અંદર ફસાયેલા બધા કર્મચારીઓ સુરક્ષિત છે અને તે લોકો ટનલના એવા હિસ્સામાં ફસાયા છે જ્યાં કૉન્ક્રીટવર્ક પૂરું થઈ ચૂક્યું છે. આટલી જાણકારી મળતાં એક મોટી હાશ એ થઈ કે કૉન્ક્રીટવર્ક પૂરું થઈ ચૂક્યું છે એવી જગ્યાએ ફસાયા હોવાને કારણે તેમના પર હવે બીજી કોઈ મોટી આફત આવી શકે એમ નથી. સ્વાભાવિક છે આટલી ખબર પણ બચાવકર્મીઓને બેવડી મહેનત સાથે મંડી પડવા માટે પ્રેરવાની હતી અને એ જ થયું. નૅશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉર્પોરેશન (NHIC), બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO) અને મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે (MoRTH) આ ત્રણે સંસ્થાઓ ઘટનાસ્થળે હાજર થઈ ગઈ. રેસ્ક્યુ ઑપરેશન માટેનો આખો એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને દેશના ખૂણે-ખૂણેથી એક્સપર્ટ્સને તાકીદે બોલાવી લેવામાં આવ્યા.
નૅચરલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સે બની શકે એટલી ઝડપથી એક મૉડિફાઇડ કમ્યુનિકેશન સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવાનું કામ કર્યું, જેથી પેલા ફસાયેલા માણસો સાથે બચાવ ટીમ સતત સંપર્કમાં રહી શકે. ત્યાં સુધીમાં નક્કી થઈ ચૂક્યું હતું કે સૌથી પહેલાં ફસાયેલા પીડિતોને જરૂરી વસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે. ખાવાનું, પાણી અને દવા કમસે કમ આ ત્રણ વસ્તુ પહોંચી શકે એવી એક પાઇપલાઇન બનાવવાનું નક્કી થયું અને શરૂ થયું ડિગિંગ ઍન્ડ ડ્રિલિંગનું એવું કામ જે અત્યંત ચીવટપૂર્વક અને ધીરજપૂર્વક કરવું પડે. સૌથી પહેલું કામ ઓગર ડ્રિલિંગ મશીન દ્વારા ભૂસ્ખલનને લીધે પડેલા કાટમાળમાં ડ્રિલિંગ કરવાનું શરૂ થયું. નૅશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉર્પોરેશને આ ડ્રિલિંગ કરવા માંડ્યું. ત્યાં સુધીમાં ત્રણ સંસ્થાઓ સાથે હવે કેન્દ્ર અને રાજ્યની ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમ પણ જોડાઈ ચૂકી હતી. 

ઓગર ડ્રિલિંગે એનું કામ કરવા માંડ્યું હતું અને છ ઇંચના પાઇપની એક પાઇપલાઇન પીડિતો સુધી બનાવવામાં આખરે સફળતા મળી. જીવનજરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ આ પાઇપલાઇન દ્વારા ફસાયેલા ૪૧ માણસો સુધી હવે પહોંચાડી શકાતી હતી. આથી ચિંતામાં થોડો ઘટાડો થયો. હવે વિચારવાનું હતું કે કઈ રીતે ઓછામાં ઓછા સમયમાં તે બધાને બહાર કાઢવા. જોકે કુદરતની એટલી મહેરબાની હતી કે કર્મચારીઓ અંદર જ્યાં ફસાયા હતા એ કૉન્ક્રીટવર્કની ટનલનો લગભગ બે કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર હતો. આથી ત્યાં ઑક્સિજનની માત્રા તરત ઘટી જશે કે ઝેરી ગૅસ બનવા માંડશે એવી ચિંતા નહોતી, જે એક મોટો હાશકારો હતો. વળી બીજી એક મોટી નિરાંત એ પણ હતી કે જે વિસ્તારમાં પીડિતો ફસાયા છે ત્યાં વૉટર સપ્લાય અને પાવર સપ્લાય જળવાયેલો હતો. જોકે ૪૧ માણસો આટલા દિવસ સુધી જ્યાં મળ-મૂત્રનો ત્યાગ કરે અને ત્યાં જ બાજુમાં જ રહે તો શરીરના સ્વાસ્થ્ય વગેરેની ચિંતા રહે જ રહે.
આટલી મૂળભૂત જાણકારી અને મૂળભૂત કામ થઈ ચૂક્યા પછી હવે આ રેસ્ક્યુ ઑપરેશન એના આગામી સ્ટેજ પર જઈ રહ્યું હતું. આ આગામી સ્ટેજ માટે કામ શરૂ કર્યું એક સરકારી કંપનીએ. સતલજ જળ વિદ્યુત નિગમ (SJVN)નું હાઇડ્રો પાવર જનરેટર મશીન હવે ટનલના દ્વારે પહોંચી ચૂક્યું હતું, જે રેસ્ક્યુ માટે વર્ટિકલ ટનલ કન્સ્ટ્રક્શન કરી શકે એમ હતું. એક તરફ જ્યાં SJVNએ કામ શરૂ કર્યું ત્યાં બીજી તરફથી કામ શરૂ કર્યું બીજી એક સરકારી કંપનીએ. ટિહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કૉર્પોરેશને ટનલની બીજી તરફથી એટલે કે બારકોટ તરફથી રેસ્ક્યુ ટનલ બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું. અત્યંત ઝડપે ચાલતા આ કામમાં તેમણે ચાર જ બ્લાસ્ટ દ્વારા ૯.૧૦ મીટર જેટલું ડ્રિફ્ટિંગ કરી લીધું. કામની ઝડપ અને સફળતા જોઈને કંપનીએ ટાર્ગેટ રાખ્યો કે હવે તે કમસે કમ રોજના ત્રણ બ્લાસ્ટ્સ કરશે જેથી આ ડ્રિફ્ટિંગ વધુ ઝડપી કરી શકાય.

આ બે કંપનીઓ જ્યાં એકસરખી ઝડપે કામ કરી રહી હતી ત્યાં એક ત્રીજી કંપની પણ હવે એમની મદદ માટે જોડાવાની હતી. રેલ વિકાસ નિગમ (RVNL). RVNLએ તે કામ ચાલી રહેલી ટનલની સાથે સમાન્તર એક ટનલ ડ્રિલિંગ શરૂ કર્યું, જેથી કાટમાળ હટાવવાનું કામ કરવા પહેલાં જ અંદર ફસાયેલા લોકોને બચાવી શકાય. એ માટે જરૂરી મહાકાય મશીનરીઝની સાથે જ મગાવવામાં આવ્યા માઇક્રો ટનલિંગ માટેના સાધનસરંજામ. આટલું ઓછું હોય એમ દિવસ-રાત ચાલતું આ કામ કેમેય કરીને અટકવું ન જોઈએ અને સાથે જ જેટલી ઝડપે પૂરું કરી શકાય એટલી ઝડપે કરવું જોઈએ એ મનસા સાથે બીજાં પણં કેટલાંક ડ્રિલિંગ અને ટનલિંગના કામમાં આવતાં હેવી અને લાઇટ મશીન્સ બૅકઅપ તરીકે મગાવવામાં આવ્યાં, જેથી ન કરે નારાયણ ને હાલમાં કાર્યરત એવું કોઈ પણ મશીન ખોટકાય કે તરત બીજું મશીન કામમાં લઈ શકાય.

આ બધાં કામો યુદ્ધના ધોરણે ચાલી રહ્યાં હતાં ત્યાં જ એન્ટ્રી થઈ એક એવી વ્યક્તિની જે આ રીતનાં રેસ્ક્યુ ઑપરેશન્સ અને અન્ડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શનની એક્સપર્ટ હતી. ઑસ્ટ્રેલિયાના આર્નોલ્ડ ડિક્સ. વિશ્વભરમાં જ્યાં પણ અન્ડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન અને ઍક્સિડન્ટ રેસ્ક્યુની વાત આવે ત્યાં તેમની એક્સપર્ટીઝ મદદે લેવાતી હોય છે. ઑસ્ટ્રેલિયાના આર્નોલ્ડ ડિક્સને મદદ માટે ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યા. સેફ્ટી અને સિક્યૉરિટીના એક્સપર્ટ એવા આર્નોલ્ડે ઑપરેશન સાઇટની વિઝિટ લીધી અને આખી પરિસ્થિતિની ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ તેમણે કહ્યું કે આ બચાવકાર્યમાં સફળતા મળશે જ મળશે એ બાબતે મને કોઈ શંકા નથી, પરંતુ અનેક એવા આયામો છે જે માટે ખૂબ કાળજી લેવી પડશે. જેમ કે ધસી આવેલા કાટમાળમાં કૉન્ક્રીટ અને મેટલના મોટા ટુકડાઓ તો નથીને, કાટમાળ જ્યાં પડ્યો છે એની નીચેની જમીન ધસી તો નથી પડીને... આવા અનેક આયામો છે જે આ ઑપરેશનને ધાર્યા સમય કરતાં વધુ લંબાવી શકે.
આ સાથે આ ભગીરથ કાર્યમાં હવે એક ચોથી કંપની પણ ઉમેરાઈ - ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કંપની (ONGC), જેને જિયોલૉજિકલ સર્વેનો અનુભવ હતો અને એક્સપર્ટીઝ પણ. ONGCએ અમેરિકા, મુંબઈ અને ગાઝિયાબાદથી તાકીદે પોતાની મશીનરી ઘટનાસ્થળે મગાવી અને જેટલી જલદી બને એટલી ઝડપે પોતાનું કામ શરૂ કરી દીધું. ૪૨ મીટરનો પાઇપ ઇન્સ્ટૉલ કરવા જેવી મળેલી પહેલી સફળતા બાદ ઑપરેશન એનો એક-એક તબક્કો પાર કરતું ગયું અને બંને તરફથી હૉરિઝૉન્ટલ અને વર્ટિકલ ટનલિંગ થવા માંડ્યું. આટલી બધી કંપનીઓના રેસ્ક્યુ એક્સપર્ટ સ્ટાફ અને તેમની મહેનત સાથે જ ટિહરી હાઇડ્રો કંપની સાથે આ કામમાં એક પાંચમી કંપની જોડાઈ - કોલ ઇન્ડિયા! કોલ ઇન્ડિયાએ ટિહરી સાથે અને ઇન્ડિયન આર્મી સાથે સમાંતરે કામ શરૂ કર્યું અને મૅન્યુઅલ સેમી-મેકૅનાઇઝડ પદ્ધતિ દ્વારા એક ડ્રિફ્ટ ટનલ બનાવવા માંડી, જેને કારણે ૧૮૦ મીટર જેટલી આખી એક ચૅનલ દસ દિવસ જેટલા સમયમાં બનાવી શક્યા. એમાં તેમણે ફ્રેમ્સ અને બૉક્સ પૅટર્ન દ્વારા ઝડપી ટનલ કન્સ્ટ્રક્શન કરવા માંડ્યું. ત્યાર બાદ કામ શરૂ કર્યું બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશને. SJVN અને RVNL દ્વારા જે ટનલિંગ કરવામાં આવ્યું હતું ત્યાં બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશને એક એપ્રોચ રોડ બનાવવા માંડ્યો અને આખરે એક્સપર્ટ્સને વિશ્વાસ થઈ ગયો કે આવતા ચોવીસથી છત્રીસ કલાકમાં આપણે તમામેતમામ ૪૧ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી શકીશું.

પણ આગળ કહ્યું એમ કુદરત સામે મનુષ્ય લાચાર છે. શુભ પરિણામ મળવાની પૂરી આશા આકાર લઈ રહી હતી ત્યાં જ ૨૩ નવેમ્બરે ઓગર ડ્રિલિંગ મશીન માટે જે પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યું હતું એમાં તિરાડ પડી. એટલું જ નહીં ઓગર મશીન પણ ખોટકાયું. અર્થાત્, આર્નોલ્ડ ડિક્સને જે સંભાવનાઓનો ડર હતો એ સાચો ઠરી. અનિચ્છાએ પણ કામ બંધ કરવું પડ્યું અને બધા બચાવકર્મીઓ થોડો સમય માટે એકબીજાનું મોઢું જોતા રહી ગયા. આવી આડખીલીઓ જો ન આવી હોત તો શક્ય હતું કે શુક્રવારની રાત કે શનિવારની સવાર સુધીમાં તો આપણે બધા ૪૧ કામદારોને બહાર લાવી શક્યા હોત. મોટી મુશ્કેલી એ ઊભી થઈ રહી છે કે ધસી પડેલા કાટમાળમાં માટી સિવાય જેટલા પણ કૉન્ક્રીટના કે મેટલના મોટા ટુકડાઓ આવે એ બધા મૅન્યુઅલી હટાવવા પડે છે. મશીન એ કામ કરી શકતું નથી. એટલું જ નહીં, જ્યાં સુધી એ ટુકડાઓ પૂરેપૂરા હટાવાય નહીં ત્યાં સુધી ઓગર મશીન આગળ ડ્રિલિંગ પણ કરી શકે નહીં, કારણ કે જો ડ્રિલિંગ દરમિયાન વચ્ચે આવા ટુકડાઓ આવ્યા તો પૂરેપૂરી શક્યતા છે કે ઓગર ફરી ખોટકાઈ પડે. જોકે જહાં ચાહ વહાં રાહ.

સવાર પડતાં સુધીમાં તો ફરી બધા એકઅવાજે કામે વળગી પડ્યા અને શરૂ થયું રિપેરિંગની સાથે બીજાં મશીનો દ્વારા ડ્રિલિંગ અને ડિગિંગનું કામ. આ આર્ટિકલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં બધા ૪૧ મજૂરો માટે ૪૧ ઍમ્બ્યુલન્સ એ ટનલની બહાર તૈયાર ઊભી છે, જેથી દરેક વ્યક્તિ માટે એક અલાયદી ઍમ્બ્યુલન્સ તરત સેવા માટે અને જરૂરિયાત મુજબ હૉસ્પિટલમાં ખસેડવા માટે તૈયાર રાખી શકાય. એટલું જ નહીં, કોઈકને ઍરલિફ્ટ કરવા પડે તો એ માટે હેલિકૉપ્ટર સેવા પણ તાકીદે તૈયાર રાખવામાં આવી છે. અને જાણે એક સાવ નવી સવાર ઊગી હોય એ રીતે ૨૪ નવેમ્બરે જ્યારે NDRF દ્વારા એક રેસ્ક્યુ પ્રૅક્ટિસ પણ કરવામાં આવી ત્યારે ફરી બધાના ચહેરા પર એક ખુશી છવાઈ ગઈ. સફળતાની જે આશા હતી એ ક્ષણે-ક્ષણે મજબૂત થતી જઈ રહી હતી. ઇન્સ્ટૉલ કરાયેલી પાઇપની ટનલમાંથી માણસોએ બહાર નીકળવાની પ્રૅક્ટિસ કરી દેખાડી, કારણ કે ૨૩ રાત્રે જ્યારે ઑપરેશન થોડી વાર માટે રોકવું પડ્યું હતું ત્યારે તો બચાવકર્મીઓને એવી આશા જ નહોતી કે શુક્રવારની જે ડેડલાઇન તેમણે વિચારી હતી એ કોઈ કાળે શક્ય બનશે. પરંતુ ૨૪મીએ સવારે ફરી કામ પૂરઝડપે શરૂ થયું અને નવી આશા જન્મી કે હવે ગમે એ સમયે સફળતા આપણા ગળે હાર પહેરાવશે અને દરેક પીડિતને આપણે સુરક્ષિત બચાવી શક્યા હોવાનો સંતોષ લઈ શકીશું અને ગઈ કાલે એવું બન્યું પણ ખરું. હિન્દીનું પેલું વિધાન યાદ આવે છે? ‘જહાં ચાહ વહાં રાહ!’ આ એક જ વિધાન અહીં કેટલા અલગ-અલગ અર્થોમાં તાદૃશ થતું જોવા મળે છે!  ઑલ સીઝન ઍક્સેસેબલ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલા આ ચારધામ રોડ પ્રોજેક્ટમાં આવી મોટી હોનારત સર્જાય ત્યારે પહેલો વિચાર એ આવે કે ‘જહાં ચાહ વહાં રાહ!’ જેવું કંઈ નથી. જુઓને, ઈશ્વરની મરજી નહીં હોય તો માણસ કંઈ જ કરી શકે એમ નથી. ત્યાં જ સર્જાયેલા આવા મોટા અકસ્માતમાં આટલું યુદ્ધના ધોરણે કામ ચાલે અને ફરી એક વાર થાય કે ના સાહેબ, એક રેસ્ક્યુ ઑપરેશનમાં આટલી બધી કંપનીઓ, સંસ્થાઓ અને ટીમો કામે લાગી છે તો એ વાત તો સાચી કે ‘જહાં ચાહ વહાં રાહ!’

 

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2023 11:56 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK