Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ખંડણીનો ધંધો જમાવવા સલમાન ખાનના ઘરે ફાયરિંગ?

મુંબઈમાં ખંડણીનો ધંધો જમાવવા સલમાન ખાનના ઘરે ફાયરિંગ?

16 April, 2024 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાઉદ ઇબ્રાહિમનું વર્ચસ્વ ખતમ થઈ ગયું છે એટલે મુંબઈના શ્રીમંતો પાસેથી પૈસા પડાવવા અમેરિકામાં પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનો પોલીસનો અંદાજ

ગુજરાતના ભુજમાંથી મુંબઈ પોલીસનાં હાથે પકડાયેલા આરોપીઓ

ગુજરાતના ભુજમાંથી મુંબઈ પોલીસનાં હાથે પકડાયેલા આરોપીઓ


રવિવારે પરોઢિયે સલમાન ખાન તેના બાંદરામાં આવેલા ગૅલૅક્સીના ફ્લૅટમાં સૂતો હતો ત્યારે બહારના ભાગમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનામાં પોલીસની તપાસમાં જણાયું છે કે શૂટરોનો ઇરાદો મારવાનો નહીં પણ ડરાવવાનો હતો.

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યા બાદ ગણતરીના કલાકમાં ફેસબુક પર અનમોલ બિશ્નોઈના નામે એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનું નામ લખવામાં આવ્યું હતું. સુરક્ષા-એજન્સીના અધિકારીઓને લાગે છે કે આ પોસ્ટની પાછળ મોટું પ્લાનિંગ હોવાની શક્યતા છે. અત્યાર સુધીની પોલીસની તપાસમાં જણાયું છે કે લૉરેન્સ-ગૅન્ગ સાથે સંકળાયેલા અમેરિકામાં બેસેલા મૂળ રાજસ્થાનના રોહિત ગોદારાએ એક મહિના પહેલાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાનું પ્લાનિંગ કર્યું હોવું જોઈએ. રોહિત ગોદારાએ તેના શૂટર વિશાલ ઉર્ફે કાલુને મુંબઈમાં મોકલ્યો હતો અને તેણે તેના એક સાથીની મદદથી પનવેલમાંથી એક સેકન્ડહૅન્ડ મોટરસાઇકલ ખરીદીને સલમાનના ઘરનો અભ્યાસ કર્યો હતો. 

આ ફાયરિંગ પાછળ બે કારણ હોવાનું કહેવાય છે. એક, લૉરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને અહેસાસ કરાવવા માગે છે કે તે ગૅન્ગની પહોંચથી દૂર નથી. બીજી મોટી વાત છે મુંબઈમાં શ્રીમંતો પાસેથી ખંડણી વસૂલ કરવા માટેનું મોટું માર્કેટ. મુંબઈમાંથી અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનું વર્ચસ્વ લગભગ ખતમ થઈ ગયું છે એટલે તેની જગ્યા લેવા માટેના પ્રયાસ લૉરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા કરી રહ્યા છે. મુંબઈમાં પોતાની દહેશત ઊભી થાય તો ખંડણી વસૂલ કરવામાં સરળતા રહેશે એવો વિચાર કરીને આ ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફાયરિંગની જવાબદારી લેનારાઓ વિદેશમાં છે એટલે તેમના સુધી ભારતની તપાસ-એજન્સી સરળતાથી પહોંચી નહીં શકે. 

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યા મુજબ અત્યાર સુધી લૉરેન્સ બિશ્નોઈ અને તેની સાથે જોડાયેલી ગૅન્ગ દ્વારા સુપારી લઈને હત્યા કરવામાં આવી છે અને હથિયારની સપ્લાય કરીને તેઓ ગૅન્ગ ચલાવે છે, પણ એમાં બહુ રૂપિયા નથી મળતા એટલે તેમણે હત્યા કરવી કે કોઈને ડરાવવા માટે ફાયરિંગ કરાવવા માટે શૂટરો ભારતનાં કેટલાંક રાજ્યમાં રાખ્યા છે, જેમને લાલચ આપવામાં આવે છે કે કામને અંજામ આપ્યા બાદ તેમને પણ વિદેશ બોલાવવામાં આવશે. 

બે જણને તાબામાં લેવામાં આવ્યા

ફાયરિંગ કરીને પલાયન થઈ ગયેલા બે શૂટરોએ મોટરસાઇકલ બાંદરામાં જ ત્યજી દીધી હતી જે પોલીસે તાબામાં લીધી હતી અને એના માલિકની તપાસ કરવામાં આવ્યા બાદ તેની ગઈ કાલે પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યા મુજબ મોટરસાઇકલના પનવેલમાં રહેતા માલિકની પૂછપરછના આધારે બે જણને તાબામાં લેવામાં આવ્યા છે. આ બન્ને સલમાનના ઘરે ફાયરિંગ કરનારા વિશાલ ઉર્ફે કાલુ અને સારંગ છે કે નહીં એ બાબતે પોલીસે કોઈ ફોડ નથી પાડ્યો. 

બાંદરાનું ઘર નહીં છોડે

ફાયરિંગની ઘટના બાદ થોડો સમય સલમાન તેના પનવેલના ફાર્મહાઉસમાં રહેવા જતો રહેશે એવા સમાચાર ગઈ કાલે ફેલાયા હતા, પણ ગઈ કાલે જાણવા મળ્યું હતું કે તે બાંદરાના ગૅલૅક્સી અપાર્ટમેન્ટ્સમાં જ રહેશે. ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પોલીસે પરિવારની સુરક્ષાની ખાતરી આપી હોવાથી સલમાન અને તેના પરિવારે અહીં જ રહેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

ફાર્મહાઉસ ટાર્ગેટ પર હતું?

સલમાન ખાનનું પનવેલમાં ફાર્મહાઉસ છે એટલે તેને ફાર્મહાઉસ કે આસપાસમાં જ ટાર્ગેટ કરવા માટે શૂટરોએ પનવેલમાં એક મહિના પહેલાં મકાન ભાડે રાખ્યું હોવાનું પોલીસ-તપાસમાં જણાયું છે. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યા મુજબ પનવેલમાં ભાડેથી રહેલા બન્ને શૂટરોએ પનવેલના ફાર્મહાઉસ ઉપરાંત મુંબઈ આવીને સલમાનના બાંદરાના ઘરનો ત્રણથી ચાર વખત અભ્યાસ કર્યો હતો. સલમાન અવારનવાર ફાર્મહાઉસ જાય છે એટલે શૂટરો પહેલાં સલમાનને પનવેલમાં જ નિશાના પર લેવા માગતા હતા, પરંતુ સલમાન ફાર્મહાઉસમાં આટલા દિવસથી ગયો જ નહોતો એટલે વધુ રાહ જોવાને બદલે શૂટરોને ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં ફાયરિંગ કરવાનો આદેશ તેમના આકાઓએ આપ્યો હોવાની શક્યતા છે.

સલમાનના ભાઈ અરબાઝે પહેલી વખત નિવેદન આપ્યું : ઘટનાથી બધા આઘાતમાં, આ પબ્લિસિટી સ્ટન્ટ નથી

રવિવારે સવારે ફાયરિંગ થયા બાદ સલમાનના ભાઈ અરબાઝ ખાને ગઈ કાલે પહેલી વખત નિવેદન આપ્યું હતું. સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટમાં અરબાઝે લખ્યું હતું કે ‘પિતા સલીમ ખાનના ઘર ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા લોકોએ કરેલા ફાયરિંગની ઘટના પરેશાન અને આઘાત પહોંચાડનારી હતી. આ અત્યંત ચોંકાવનારી ઘટનાથી અમારો પરિવાર ભારે આઘાતમાં છે. કમનસીબે કેટલાક લોકો અમારા પરિવારના નજીકના હોવાનો દાવો કરી રહ્યા છે અને પરિવારના પ્રવક્તાની જેમ મીડિયામાં આ ઘટનાને પરિવારે બહુ ગંભીરતાથી ન લીધી હોવાનું કહી રહ્યા છે. અમને આનાથી કોઈ ફરક નથી પડ્યો અને આ પબ્લિસિટી સ્ટન્ટ હોવાનું કહી રહ્યા છે, પણ એ સાચું નથી. આ લોકોની આવી વાતોને ગંભીરતાથી ન લેવી જોઈએ. સલીમ ખાન સહિત પરિવારના કોઈ સભ્યે આ ઘટના સંબંધી મીડિયામાં કોઈ નિવેદન આપ્યું નથી. અમે પોલીસને તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યા છીએ. અમને મુંબઈ પોલીસ પર પૂરો ભરોસો છે અને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમારા પરિવારની સુરક્ષા માટે જરૂરી દરેક પ્રયાસ કરવામાં આવશે. આપ સૌના પ્રેમ અને સપોર્ટ બદલ આભાર.’

વૅન ગાયબ રહેવા બાબતે પોલીસ મૌન

ગયા વર્ષે સલમાન ખાનને ધમકી આપવામાં આવ્યા બાદ તેના ઘર અને આસપાસ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેના ઘર પાસે એક પોલીસ-વૅન ૨૪ કલાક ઊભી રાખવામાં આવે છે. જોકે રવિવારે ફાયરિંગ થયું હતું ત્યારે આ વૅન ત્યાં ન હોવાનું કહેવાય છે. આ વિશે બાંદરા વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજ તિલક રોશનને પહેલાં કૉલ કરીને અને ત્યાર બાદ ‘મિડ-ડે’એ મેસેજ મોકલીને પૂછ્યું હતું, પરંતુ તેમણે આ બાબતે કોઈ જવાબ નહોતો આપ્યો. 


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK