દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે બાળકોનો જન્મદર ઘટીને ૨:૧ના સામાન્ય સ્તરે પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર
ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં બાળજન્મદર ઘટીને ૨૦૨૩માં પહેલી વાર ૨:૧ના સૌથી મહત્ત્વપૂર્ણ સ્તરે પહોંચ્યો હતો. ૨:૧નું સ્તર મૃત્યુદર સાથે જન્મદરનું એકદમ બરાબર બૅલૅન્સ જાળવતું સ્તર માનવામાં આવે છે, જેને લીધે લોકવસ્તી લાંબા સમય સુધી એકસમાન રહી શકે છે.
બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ૨૦૨૩ના વર્ષમાં આખા દેશમાં સૌપ્રથમ વાર જન્મદરનું પ્રમાણ ઘટીને બે કરતાં પણ નીચે ગયું છે. પહેલી વાર દેશમાં સરેરાશ જન્મદર ૧:૯ નોંધાયો છે, એટલે કે દેશમાં પ્રતિ મહિલાએ ૧:૯ બાળકોનો જન્મ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
છેલ્લા એક દાયકાથી ભારતના ગ્રામ્ય વિસ્તારોનો જન્મદર સતત ઘટ્યો છે, પણ હવે પહેલી વાર એ વૈશ્વિક જન્મદરની સરખામણીમાં આવ્યો છે. ૨:૧ના જન્મસ્તરને સ્ટેબિલાઇઝિંગ લેવલ ગણવામાં આવે છે, કારણ કે આ સ્તરે જન્મદર રહે તો લોકવસ્તીની સંખ્યા અને યુવા-વૃદ્ધનું પ્રમાણ જળવાઈ રહે છે. આ જ જન્મદર જળવાઈ રહે તો ભારતના ગ્રામ્ય વિસ્તારની લોકવસ્તી પણ વધવાને બદલે હવે એક સંખ્યાની આસપાસ સ્ટેબલ થવા લાગશે. શહેરી વિસ્તારોમાં તો ૨૦ વર્ષ પહેલાં જન્મદર ૨:૧થી નીચે પડી ગયો હતો. ૨૦૨૩માં એ ઘટીને ૧:૫ પર પહોંચ્યો છે.
મૃત્યુદર હજી વધારે : ૧૦૦૦ લોકોમાંથી દર વર્ષે ૬.૪નાં મૃત્યુ
ભારતમાં મૃત્યુદર કોવિડ પછી અચાનક ખૂબ વધી ગયો હતો. એ પછી અગાઉના સામાન્ય સ્તરથી નીચે નથી જઈ શક્યો. ૨૦૧૯ અને ૨૦૨૦માં દેશનો ક્રૂડ ડેથરેટ એટલે કે દર ૧૦૦૦ લોકોએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા ૬ હતી, જે ૨૦૨૧માં ૭.૫, ૨૦૨૨માં ૬.૮ અને છેલ્લે ૨૦૨૩માં ૬.૪ નોંધાઈ હતી.


