Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરસંઘચાલક મસ્જિદમાં શા માટે પહોંચ્યા?

સરસંઘચાલક મસ્જિદમાં શા માટે પહોંચ્યા?

23 September, 2022 08:35 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજેપી પસમાંદા મુસ્લિમોને પોતાની તરફેણમાં કરવાની વ્યૂહરચનાનો અમલ કરી રહી છે ત્યારે મોહન ભાગવત બે મહિનામાં બીજી વખત મુસ્લિમ બુદ્ધિજીવીઓને મળ્યા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આરએસએસના વડા મોહન ભાગવત સંઘના વરિષ્ઠ પદાધિકારીઓની સાથે ગઈ કાલે નવી દિલ્હીમાં એક મસ્જિદમાં ઑલ ઇન્ડિયા ઇમામ ઑર્ગેનાઇઝેશનના વડા ઉમર એહમદ ઇલ્યાસીને મળ્યા હતા. કસ્તુરબા ગાંધી માર્ગ પરની એક મસ્જિદમાં યોજાયેલી આ બંધબારણે મીટિંગ એક કલાક કરતાં વધારે સમય ચાલી હતી. ભાગવતની સાથે આ મીટિંગમાં સંઘના સંયુક્ત મહાસચિવ ક્રિષ્ના ગોપાલ, રામ લાલ અને ઇન્દ્રેશ કુમાર પણ હતા.

આ મીટિંગ વિશે એહમદ ઇલ્યાસીના ભાઈ સુહૈબ ઇલ્યાસીએ કહ્યું હતું કે ‘ભાગવતજી અમારા પિતાની પુણ્યતિથિ પર અમારા આમંત્રણ પર આવ્યા એ ખૂબ જ સારી વાત છે. એનાથી દેશને સારો મેસેજ પણ જાય છે.’



વાસ્તવમાં મોહન ભાગવત છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ સમુદાયના નેતાઓને સતત મળી રહ્યા છે, જેનો હેતુ સાંપ્રદાયિક સદ્ભાવનાને મજબૂત કરવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


જોકે જ્યારથી બીજેપીએ પસમાંદા મુસ્લિમોની ચર્ચા શરૂ કરી છે ત્યારથી સ્વાભાવિક રીતે આ મુલાકાતને અનેક લોકો રાજકારણનાં ચશ્માંથી પણ જોઈ રહ્યા છે. બીજેપીની હૈદરાબાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પસમાંદા મુસ્લિમોને લઈને નોંધપાત્ર કમેન્ટ કરી હતી. મોદીએ પાર્ટીના કાર્યકરોને પસમાંદા મુસ્લિમ સમુદાયોને સશક્ત બનાવવા માટે તેમના સુધી પહોંચવા જણાવ્યું હતું. બીજી તરફ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સંઘમાં મુસ્લિમોને લઈને મંથન ચાલી રહ્યું છે.

સરસંઘચાલક આ પહેલાં બાવીસમી ઑગસ્ટે દિલ્હીના ભૂતપૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ઝમીરુદ્દીન શાહ, ભૂતપૂર્વ સંસદસભ્ય શાહિદ સિદ્દીકી અને બિઝનેસમૅન સઈદ શેરવાનીને મ‍ળ્યા હતા.


જાણકારો અનુસાર સંઘ હવે એક મોટા મિશન તરફ આગળ વધી રહ્યો છે, જેનો હેતુ મુસ્લિમ સમાજના પછાત વર્ગો સુધી પહોંચવાનો છે.

ભાગવત રાષ્ટ્રપિતા છેઃ ઉમર અહમદ ઇલ્યાસી

ઑલ ઇન્ડિયા ઇમામ ઑર્ગેનાઇઝેશનના વડા ઉમર અહમદ ઇલ્યાસીએ આરએસએસના વડા મોહન ભાગવત સાથેની મીટિંગ બાદ કહ્યું હતું કે ‘આપણા ડીએનએ સરખા છે, માત્ર ભગવાનની ઉપાસના કરવાની આપણી પદ્ધતિ અલગ છે.’ ઇલ્યાસીએ ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ ગણાવતાં જણાવ્યું હતું કે આરએસએસના વડાએ તેમના આમંત્રણથી ઉત્તર દિલ્હીમાં મદરેસા તજવીદુલ કુરાનની મુલાકાત લીધી હતી અને ત્યાં બાળકોની સાથે વાતચીત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 08:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK