તે મને જાણ કર્યા વિના અહીં આવ્યો હતો. હવે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મુલાકાત લઈ શકે છે, પરંતુ કોઈ તેને પાછો લાવી શકવાનું નથી.
નાસભાગમાં જીવ ગુમાવનારી બાળકીના મૃતદેહ પાસે બેઠેલાં તેનાં દાદી.
બુધવારે RCBની વિજય પરેડ વખતે બૅન્ગલોરમાં થયેલી નાસભાગમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એમાં પોતાનો એકનો એક પુત્ર ગુમાવનાર પિતાએ સરકારી અધિકારીઓને રડતાં-રડતાં વિનંતી કરી હતી કે ‘મને મારા પુત્રનો મૃતદેહ ઑટોપ્સી કર્યા વિના પાછો આપો. તેનું પોસ્ટમૉર્ટમ ન કરો, તેના શરીરના ટુકડા ન કરો. તે મારો એક જ દીકરો હતો અને હવે મેં તેને ગુમાવ્યો છે. તે મને જાણ કર્યા વિના અહીં આવ્યો હતો. હવે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મુલાકાત લઈ શકે છે, પરંતુ કોઈ તેને પાછો લાવી શકવાનું નથી.’
બૅન્ગલોરના પોલીસ-કમિશનર સહિત ઘણા પોલીસ સસ્પેન્ડ
ADVERTISEMENT
બૅન્ગલોરમાં ગઈ કાલે થયેલી નાસભાગ અને ૧૧ લોકોએ જીવ ગુમાવતાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ બૅન્ગલોરના પોલીસ-કમિશનર બી. દયાનંદને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘કબ્બન પાર્ક પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઑફિસર, અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર, સેન્ટ્રલ ડિવિઝનલ ડેપ્યુટી પોલીસ-કમિશનર અને ઍડિશનલ પોલીસ-કમિશનરને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’
કર્ણાટક હાઈ કોર્ટે કેસ લીધો
કર્ણાટક હાઈ કોર્ટે નાસભાગ વિશે સુઓ મોટો ઍક્શન લીધી હતી અને આ કેસની સુનાવણી ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે કરવામાં આવી હતી.
RCBએ ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી એટલે નાસભાગ થઈ
કર્ણાટક સરકારે હાઈ કોર્ટને દુર્ઘટનાનું કારણ આપતાં કહ્યું...
બુધવારે બૅન્ગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગના મુદ્દે કર્ણાટક હાઈ કોર્ટે સુઓ મોટો લીધેલા કેસમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે RCBએ સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી એને કારણે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા અને એને કારણે નાસભાગ થઈ હતી જેમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્ય સરકાર વતી વકીલે જણાવ્યું હતું કે RCB ફ્રૅન્ચાઇઝી દ્વારા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ પોલીસે આ દુર્ઘટના માટે વિજય પરેડના સમય અને ફ્રી પાસના વિતરણ અંગે મૂંઝવણને જવાબદાર ગણાવી હતી. પોલીસે કહ્યું હતું કે ‘ગેરવહીવટને કારણે ભીડ એકઠી થઈ હતી અને ગભરાટ ફેલાયો હતો. ૩૫,૦૦૦ લોકોની બેઠક-ક્ષમતા ધરાવતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અંદાજે બેથી ૩ લાખ લોકો આવી ગયા હતા. પાસ વિનાના ઘણા લોકોએ બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. સ્ટેડિયમના દરવાજા પર ચડવાનો પ્રયાસ કરતી વખતે ઘણા ચાહકો પડી ગયા હતા અથવા ઘાયલ થયા હતા.’

