વેરાવળ તાલુકામાં બે કલાકમાં ૪ ઇંચ સાથે કુલ સાડાછ ઇંચ વરસાદ: આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં બીજા રાઉન્ડમાં ચોમાસું સક્રિય બન્યું છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના વેરાવળ પંથકમાં ૧૬૩ મિલીમીટર (મિમી) એટલે કે સાડાછ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો, તો મેઘરાજા દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મહેરબાન થયા હોય એમ આ જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો હતો. આજે પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદારા નગર હવેલી, નર્મદા, સુરત, ડાંગ, કચ્છ, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકા અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ગઈ કાલે સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીમાં ૧૦૧ મિમી એટલે કે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો અને સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૬૩ મિમી એટલે કે સાડાછ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વેરાવળ પંથકના ડારી ગામમાં ભારે વરસાદના પગલે વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ ભારે વરસાદથી વેરાવળ પંથકની દેવકા નદીમાં પાણી આવ્યું હતું.
વેરાવળ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, દ્વારકા અને ખંભાળિયા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. એમાં પણ કલ્યાણપુરમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગઈ કાલે ભારે વરસાદને પગલે યાત્રાધામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં, એટલુ જ નહીં, ભગવાન શ્રી દ્વારકાધીશના જગતમંદિર નજીક વીજળી પડી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૭૩ મિમી એટલે કે લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં ૫૫ મિમી એટલે કે બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

