વડા પ્રધાને મંડ્યા અને હુબલી-ધારવાડ જિલ્લાઓમાં ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને બૅન્ગલોર-મૈસૂર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પણ કર્યું

મંડ્યામાં ગઈ કાલે રોડ-શો દરમ્યાન સપોર્ટર્સનું અભિવાદન ઝીલી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
બૅન્ગલોરઃ કર્ણાટકમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે, સત્તાવિરોધી લહેરને કારણે બીજેપી હવે મંડ્યામાં મતો મેળવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર જ દારોમદાર રાખી રહી છે. મંડ્યા જનતા દળ (સેક્યુલર)નો મજબૂત ગઢ રહ્યો છે.
વડા પ્રધાને મંડ્યા અને હુબલી-ધારવાડ જિલ્લાઓમાં ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે બૅન્ગલોર-મૈસૂર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું જે નૅશનલ હાઇવે ૨૭૫ પર બૅન્ગલોર-નિદઘટ્ટા-મૈસૂર સેક્શનનો સિક્સ-લેન પ્રોજેક્ટ છે. ૮૪૮૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૮ કિલોમીટરના લાંબા ભાગને વિકસાવવામાં આવ્યો છે, જેનાથી બૅન્ગલોર અને મૈસૂર વચ્ચેનો ટ્રાવેલ-ટાઇમ ત્રણ કલાકથી ઘટીને ૭૫ મિનિટ થઈ જશે.
અહીં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહી છે. કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવામાં બિઝી છે, જ્યારે મોદી બૅન્ગલોર-મૈસૂર એક્સપ્રેસવે બનાવવામાં બિઝી છે. મોદી ગરીબોનું જીવન સુવિધાયુક્ત બનાવવામાં બિઝી છે. કૉન્ગ્રેસના નેતાઓને ખબર નથી કે માતાઓ, બહેનો અને આ દેશના લોકોના આશીર્વાદ મારા માટે સુરક્ષાકવચનું કામ કરે છે.’
મંડ્યામાં ભવ્ય રોડ-શો પણ યોજાયો હતો, જેમાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના પર ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. મોદીએ પણ તેમની ઝલક જોવા આવેલા લોકો પર ફૂલોની પાંખડીઓ ફેંકી હતી.
વડા પ્રધાને શ્રી સિદ્ધરુધા સ્વામીજી હુબલી સ્ટૅશન ખાતે ‘દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લૅટફૉર્મ’ પણ દેશને સમર્પિત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રિસન્ટલી ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્ઝ દ્વારા આ બાબતને માન્યતા આપવામાં આવી છે. ૧૫૦૭ મીટર લાંબા પ્લૅટફૉર્મને લગભગ ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યું છે.
કમનસીબ બાબત છે કે લંડનની ધરતી પરથી ભારતની લોકશાહી વિશે સવાલ કરાઈ રહ્યા છેઃ પીએમ
કર્ણાટકમાં હુબલી-ધારવાડમાં વિકાસ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ અને લોકાર્પણ કરતી વખતે સભામાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘એ કમનસીબ બાબત છે કે લંડનની ધરતી પરથી ભારતની લોકશાહી વિશે સવાલ કરવામાં આવી રહ્યા છે. એવી કોઈ તાકત નથી કે જે ભારતીય લોકશાહીને નબળી પાડી શકે. એમ છતાં પણ ભારતીય લોકશાહી પર હુમલો કરવા માટે કેટલાક લોકો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા લોકો ભારતના લોકોનું અપમાન કરી રહ્યા છે.’ નોંધપાત્ર છે કે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં તેમની યુકેની ટૂર દરમ્યાન પીએમ મોદી વિશે વાત કરતી વખતે ભારતમાં લોકશાહી ખતરામાં હોવાનું જણાવ્યું હતું.