આમ કહીને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રસ્તાવ પર જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ખડગેજીએ એનડીએ માટે ૪૦૦ સીટના આશીર્વાદ આપ્યા છે, એને હું આવકારું છું. મારા મતે ખડગેજી બે ખાસ કમાન્ડરની ગેરહાજરીને કારણે આટલો લાંબો સમય બોલી શક્યા
ફરી મળ્યા : થોડા દિવસ પહેેલાં જ એનડીએમાં પાછા ફરેલા જેડી-યુના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ગઈ કાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
નવી દિલ્હી : રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ વિશે આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું હતું અને એવું કહ્યું હતું કે વિપક્ષ તેમનો અવાજ દબાવી નહીં શકે, કારણ કે દેશના લોકોએ તેમના અવાજને મજબૂત બનાવ્યો છે.
વડા પ્રધાને કહ્યું કે કૉન્ગ્રેસના વિચારો જૂનવાણી છે અને એટલે તેમણે પોતાનું કાર્ય આઉટસૉર્સ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ખડગેએ તેમની ટિપ્પણીમાં બીજેપીના સૂત્ર ‘અબ કી બાર ૪૦૦ પાર’નો ઉલ્લેખ કર્યો હતો, જે પછી તેમણે તરત જ સ્પષ્ટતા કરી હતી કે પીએમ મોદીના કારણે બીજેપીના સભ્યો ચૂંટાયા છે અને સત્તાધારી પક્ષ આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦ બેઠકો પણ પાર કરી શકશે નહીં.
ADVERTISEMENT
પીએમ મોદીએ આ વિશે કટાક્ષ કર્યો કે ‘ખડગેજીએ એનડીએ માટે ૪૦૦ સીટના આશીર્વાદ આપ્યા છે, એને હું આવકારું છું. મારા મતે ખડગેજી બે ખાસ કમાન્ડરની ગેરહાજરીને કારણે રાજ્યસભામાં આટલો લાંબો સમય બોલી શક્યા. ખડગેજીએ પેલું ગીત ‘ઐસા મૌકા ફિર કહા મિલેગા’ સાંભળ્યું જ હશે. પીએમ મોદીએ લોકસભામાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગેરહાજરીને ટાંકીને એવું કહ્યું કે હું ખડગેજી પ્રત્યે મારી વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. લોકસભામાં જે મનોરંજનની કમી હતી એ તેમણે પૂરી કરી હતી.’
પીએમએ કહ્યું કે જે કૉન્ગ્રેસના નેતા અને નીતિની કોઈ ગૅરન્ટી નથી તેઓ અમારી નીતિઓ સામે સવાલ કરી રહ્યા છે. તેમણે સીટ-શૅરિંગ મુદ્દે ઇન્ડિયા બ્લૉકમાં પડેલી તિરાડ વિશે કહ્યું કે વેસ્ટ બેન્ગૉલમાં કૉન્ગ્રેસ સામે પડકાર ફેંકવામાં આવ્યો છે કે પાર્ટી લોકસભા ચૂંટણીમાં ૪૦નો આંકડો પણ પાર નહીં કરી શકે. હું પ્રાર્થના કરું છું કે તમે ૪૦નો આંકડો મેળવો.’
કૉન્ગ્રેસ અને તૃણમૂલ કૉન્ગ્રેસ બન્ને ઇન્ડિયા બ્લૉકનો ભાગ છે, પરંતુ બેઠકોની વહેંચણી મુદ્દે મમતા બૅનરજી કૉન્ગ્રેસથી નારાજ થયાં હતાં અને બેન્ગૉલમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણી આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાવાની શક્યતા છે.
૮ કમેન્ટ્સ મોદીની
૧. કૉન્ગ્રેસે એના યુવરાજ (રાહુલ ગાંધી)ને એક સ્ટાર્ટ-અપ આપ્યું, પરંતુ યુવરાજ તો નૉન-સ્ટાર્ટર છે. ના વો લિફ્ટ હો રહા હૈ, ના વો લૉન્ચ હો રહા હૈ...
૨. વેસ્ટ બેન્ગાલે એવો પડકાર ફેંક્યો છે કે કૉન્ગ્રેસ (૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં) ૪૦ સીટનો આંકડો પાર નહીં કરી શકે. હું પ્રાર્થના કરું છું કે તેઓ ૪૦ સીટો મેળવે. આ પાર્ટી (કૉન્ગ્રેસ)ની વિચારસરણી પણ જૂની છે. હવે તેમણે પોતાના કામનું પણ આઉટસોર્સિંગ કર્યું છે.
૩. જો તમે (કૉન્ગ્રેસ) અંગ્રેજોથી પ્રેરિત નહોતા તો શા માટે લોકોએ રાજપથને કર્તવ્યપથમાં બદલવા માટે મોદીની રાહ જોવી પડી? જો તમે અંગ્રેજોથી પ્રેરિત નહોતા તો શા માટે દેશ માટે બલિદાન આપનારા આપણા સૈનિકો માટે કોઈ યુદ્ધસ્મારક ન બનાવવામાં આવ્યું?
૪. કૉન્ગ્રેસે એવું સ્થાપિત કર્યું કે જેઓ ભારતીય પરંપરાઓનું પાલન કરે છે તેમનું નીચાજોણું થાય છે.
૫. કૉન્ગ્રેસે સત્તા માટે લોકશાહીનું ગળું દબાવ્યું અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી દીધી. કૉન્ગ્રેસ દલિતો, પછાતો, આદિવાસીઓની વિરુદ્ધ રહી છે અને જો બાબાસાહેબ આંબેડકર ન હોત તો તેમને અનામત ન મળી હોત.
૬. જેણે ઓબીસીને અનામતો ન આપી, જેણે ક્યારેય સામાન્ય વર્ગના ગરીબોને રિઝર્વેશન ન આપ્યું, જેણે બાબાસાહેબનો ભારત રત્ન માટે વિચાર ન કર્યો અને એને બદલે પોતાના પરિવારના સભ્યોને ભારત રત્ન આપવાનું ચાલુ રાખ્યું એ કૉન્ગ્રેસ આજે આપણને સામાજિક ન્યાયના પાઠ શીખવી રહી છે.
૭. કૉન્ગ્રેસના ૧૦ વર્ષના ઇતિહાસ પર નજર નાખીએ તો ભારત નબળી પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ હતું. હવે અમારાં ૧૦ વર્ષ જુઓ. આપણે ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાંથી એક છીએ. અમે ખૂબ મહેનત કરીને દેશને આમાંથી બહાર લાવ્યા છીએ.
૮. અમે તમારા દરેક શબ્દને ધીરજપૂર્વક સાંભળતા રહ્યા, પણ તમે આજે અમારી વાત ન સાંભળવાના ઇરાદાથી આવ્યા છો. જોકે તમે મારો અવાજ દબાવી નહીં શકો. આ દેશના લોકોએ આ અવાજને મજબૂત બનાવ્યો છે.