રાજ્યસભા ચૅરમૅનનાં વિવિધ પક્ષોના નેતાઓએ કર્યાં વખાણ

વિવિધ પક્ષોના નેતાઓની વાત સાંભળીને લાગણીશીલ થયેલા ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચૅરમૅન એમ. વેન્કૈયા નાયડુને તેમણે સંસદના ઉપલા ગૃહમાં લીધેલાં પગલાં માટે યાદ કરવામાં આવશે. આ વાત તેમણે રાજ્યસભામાં તેમને વિદાય આપતા ભાષણમાં કરી હતી. વિવિધ પક્ષોના નેતાઓએ તેમનાં વખાણ કરતાં ઉપરાષ્ટ્રપતિ લાગણીશીલ થઈ ગયા હતા. મોદીએ કહ્યું કે રાજ્યસભામાં તેમની હાજરીને કારણે હાઉસની પ્રોડક્ટિવિટીમાં ઘણો વધારો જોવા મળ્યો હતો. તેમના નેતૃત્વ દરમ્યાન ગૃહની પ્રોડક્ટિવિટી વધીને ૭૦ ટકા થઈ ગઈ હતી. સભ્યોની હાજરીમાં વધારો થયો હતો, એટલું જ નહીં, કુલ ૧૭૭ બિલ પાસ થયાં અને એની ચર્ચા થઈ હતી. તમારે કારણે રાજ્યસભાના કામકાજમાં સુધારો જોવા મળ્યો હતો. આપણે જ્યારે ૧૫ ઑગસ્ટે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સ્પીકર અને વડા પ્રધાન તમામનો જન્મ આઝાદી બાદ થયો હતો અને ખૂબ જ સામાન્ય સ્તરથી તેઓ અહીં સુધી પહોંચ્યા છે.