ક્યાં સુધી આપણે આ રીતે કુરબાની આપીશું મોદીજી?
ADVERTISEMENT
દીકરીનો ચિત્કાર: કૉમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવનારા અને આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયેલા ફતેહસિંહ (ઈન્સેટ)ના અંતિમ સંસ્કાર ગઈ કાલે તેમના વતન ગુરદાસપુરમાં કરવામાં આવ્યા હતા. પિતાના પાર્થિવ દેહને જોઈને તેમની દીકરી મધુ રાધા આંસુ રોકી નહોતી શકી.
ચંબામાં હવાલદાર જગદીશ ચંદના ગઈ કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આંખોમાં ચિંતાનો ભાવ : ચીફ ઇન્ફર્મેશન કમિશનર આર. કે. માથુરના શપથગ્રહણ
સમારોહમાં પહોંચેલા નરેન્દ્ર મોદીના હાવભાવ દર્શાવી રહ્યા હતા કે તેઓ કોઈક
મુદ્દે પરેશાન છે.
પઠાનકોટમાં શનિવારે વહેલી સવારે થયેલા આતંકવાદી હુમલાના ત્રીજા દિવસે સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે પહેલા દિવસે ચાર અને ગઈ કાલે બે મળીને કુલ ૬ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોકે સરકાર એ કહેવામાં અસમર્થ છે કે ઘૂસી ગયેલા તમામ આતંકવાદીઓ ઠાર થયા છે કે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠક બાદ મીડિયાને સંબોધતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘ચાર આતંકવાદીની ડેડ-બૉડી મળી છે અને બીજા બેની ડેડ-બૉડી રિકવર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન ઍરફોર્સ-બેઝ એકદમ સલામત છે અને એને કોઈ નુકસાન પહોંચ્યું નથી.
મુંબઈમાં ૨૦૦૮માં થયેલો આતંકવાદી હુમલો ૬૦ કલાક લાંબો ચાલ્યો હતો, પણ પઠાનકોટમાં થયેલો હુમલો એના કરતાં વધારે લાંબો ચાલ્યો છે.
આ બેઠક પહેલાં બપોરે યોજાયેલી એક મીડિયા-કૉન્ફરન્સમાં નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સના ઇન્સ્પેક્ટર જનરલ દુષ્યંત સિંહે કહ્યું હતું કે ‘પઠાનકોટ ઍરબેઝ-કૅમ્પમાં કૉમ્બિંગ ઑપરેશન ચાલી રહ્યું છે અને જ્યાં સુધી એ આતંકવાદીઓથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે.’
કોણે સ્વીકારી જવાબદારી?
આશરે એક ડઝન કાશ્મીરી આતંકવાદી સંગઠનોની મુખ્ય સંસ્થા મનાતી યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ (UJC)એ પઠાનકોટ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ કાઉન્સિલે આ સંદર્ભમાં આપેલું સ્ટેટમેન્ટ એવો નિર્દેશ કરે છે કે આ હુમલામાં કાશ્મીરના આતંકવાદી સંડોવાયેલા છે, પાકિસ્તાનના આતંકવાદીઓનો કોઈ હાથ નથી. આ કાઉન્સિલનાં સંગઠનો જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય છે અને એનો ચીફ સૈયદ સલાલુદ્દીન પાકિસ્તાનમાં બેઠો છે.
ચર્ચા થશે નહીં?
પઠાનકોટમાં આતંકવાદી હુમલાના પગલે ૧૪ જાન્યુઆરીએ ઇસ્લામાબાદમાં ભારતના વિદેશસચિવ એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશસચિવ ઇજાઝ અહમદ ચૌધરી વચ્ચે યોજાનારી બેઠકને રદ કરવામાં આવે એવી શક્યતા છે.
NSA મળશે?
વિદેશસચિવ સ્તરની બેઠક પહેલાં બન્ને દેશોના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરોની બેઠક યોજાય એવી સંભાવના છે. આ બેઠકમાં માત્ર આતંકવાદનો જ મુદ્દો આપવામાં આવશે.
પાકિસ્તાનને આપશે પુરાવા
આતંકવાદીઓએ કરેલા ફોન, પાકિસ્તાનમાં બેસેલા તેમના આકાઓ સાથે કરેલી વાતચીત વિશેના પુરાવા આ વખતે ભારત પાકિસ્તાનને આપશે. જ્યારે પણ બન્ને દેશ વચ્ચે ચર્ચા થશે ત્યારે આ વિગતો આપવામાં આવશે.
ટૅન્કથી ઉડાડ્યા બે આતંકવાદીને
શનિવારથી ઇન્ડિયન ઍરફોર્સના બેઝ-કૅમ્પમાં છુપાયેલા ૬માંના ૪ આતંકવાદીઓ શનિવારે ઠાર થયા હતા, પણ રવિવારે બે આતંકવાદીઓએ હુમલો ચાલુ રાખ્યો હતો. ગઈ કાલે આર્મીને ખબર પડી હતી કે તેઓ કૅમ્પની કૅન્ટીનમાં છુપાયા છે એટલે આર્મીએ ટૅન્ક બોલાવી હતી અને એનાથી કૅન્ટીન પર હુમલો કરીને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
અલગ-અલગ ઘૂસ્યા
પઠાનકોટમાં આતંકવાદીઓ બે અલગ-અલગ જૂથમાં બેઝ-કૅમ્પમાં ઘૂસી ગયા હતા. પહેલા બે આતંકવાદી શુક્રવારે પહોંચી ગયા હતા, પણ બાકીના ચાર શનિવારે સવારે પહોંચ્યા હતા.
આકાઓ નારાજ
ચાર આતંકવાદી મોડા પહોંચ્યા હોવાથી પાકિસ્તાનમાં બેસેલા તેમના આકાઓ નારાજ થયા હતા. ફોનની વાતો આંતરીને સાંભળવામાં આવતાં આ જાણકારી મળી હતી.
અજિત ડોભાલની ચીનયાત્રા મુલતવી
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની આજથી શરૂ થતી ચીનયાત્રા પઠાનકોટમાં ઍરફોર્સ-બેઝ પર થયેલા આતંકવાદી હુમલાને લીધે મુલતવી રાખવામાં આવી છે. ડોભાલ ભારત-ચીન સીમાવિવાદ અને અન્ય દ્વિપક્ષી મુદ્દાઓની ચર્ચા માટે ચીન જવાના હતા.

