કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણના પતિ અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે
નિર્મલા સીતારમણની ફાઇલ તસવીર
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણના પતિ અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરે (Parakala Prabhakar) ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ (Electoral Bonds) છે. ન્યૂઝ ચેનલ `રિપોર્ટર ટીવી` સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, “મને લાગે છે કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશે. ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે.”
`મતદારો મોદી સરકારને કડક સજા કરશે`
ADVERTISEMENT
નાણાપ્રધાનના પતિ (Parakala Prabhakar)એ પત્રકારને આગળ કહ્યું કે, "મને લાગે છે કે ચૂંટણી બોન્ડ સંબંધિત મુદ્દો આજની સરખામણીએ વધુ વેગ પકડશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. હવે બધા ધીમે-ધીમે સમજી રહ્યા છે કે આ ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા સખત સજા કરવામાં આવશે.”
અર્થશાસ્ત્રી છે પરાકલા પ્રભાકર
નાણાપ્રધાનના પતિ પરાકલા પ્રભાકર (Parakala Prabhakar) જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે 2014થી 2018 સુધી આંધ્ર પ્રદેશ સરકારમાં સેવા આપી હતી, જ્યારે તેઓ સંચાર સલાહકાર પણ હતા. આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં 2 જાન્યુઆરી, 1959ના રોજ જન્મેલા પરાકલા પ્રભાકર, વર્ષ 1991માં લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.
ચૂંટણી બોન્ડ દ્વારા સૌથી વધુ દાન કોને મળ્યું?
ચૂંટણી બોન્ડ દ્વારા 2019થી 1,27,69,08,93,000 રૂપિયા દેશના ઉદ્યોગોમાંથી રાજકીય પક્ષો અને વ્યક્તિગત સ્તરે કેટલીક વ્યક્તિઓને દાનમાં આપવામાં આવ્યા હતા. આ ખુલાસો ત્યારે થયો જ્યારે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (SBI) તરફથી મળેલા ડેટાને વેબસાઈટ પર જાહેર કર્યો હતો. માહિતી અનુસાર, રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં કુલ 20,421 ઈલેક્ટોરલ બોન્ડ રિડિમ કર્યા, જેમાંથી 12,207 1 કરોડ રૂપિયાના હતા.
60,60,51,11,000 રૂપિયાની મહત્તમ રકમ ભાજપને ગઈ છે, જે કુલ રકમની લગભગ અડધી છે. પાર્ટીએ રૂા. 1 કરોડના 5,854 બોન્ડ અને રૂા. 10 લાખના 1,994 બોન્ડ રિડિમ કર્યા હતા. 1 લાખ અને 10 હજાર રૂપિયા ઉપરાંત તેણે 1000 રૂપિયાના 31 બોન્ડ પણ રિડિમ કર્યા હતા. બીજા સ્થાને, તૃણમૂલ કૉંગ્રેસ (TMC)એ રૂા. 16,09,50,14,000ના 3,275 ઇલેક્ટોરલ બોન્ડ્સ રિડિમ કર્યા, જેમાં પ્રત્યેક રૂા. 1 કરોડના 1,467 બોન્ડ અને રૂા. 10 લાખના 1,384 બોન્ડનો સમાવેશ થાય છે.


