પ્રયાગરાજની દીકરી અને દેશની સૌથી નાની વયની સ્કાયડાઇવરનું પરાક્રમ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પહલગામમાં થયેલા હુમલા પછી ભારતે ઑપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે એનાથી દરેક દેશવાસી આ મિશનની સફળતાનો ઉત્સવ મનાવી રહ્યો છે. આ જ કડીમાં પ્રયાગરાજની દીકરી અનામિકા શર્મા પણ જોડાઈ છે. તેણે એક અલગ જ અંદાજમાં ઑપરેશન સિંદૂરને સલામી આપી છે. ૨૩ વર્ષની અનામિકાએ થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં ૧૪,૦૦૦ ફુટ ઊંચેથી ઑપરેશન સિંદૂરનો ઝંડો લઈને આસમાનમાંથી છલાંગ લગાવી હતી. તેણે ગુરુવારે સવારે ૧૧ વાગ્યે આ કારનામું કર્યું હતું.
ગયા વર્ષે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે તેણે થાઇલૅન્ડના રેયાન્ગ શહેરના આકાશમાંથી ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએથી રામ મંદિરનો ધ્વજ લઈને જય શ્રીરામના જયકારા સાથે છલાંગ લગાવી હતી. અનામિકા યુનાઇટેડ સ્ટેટ્સ પૅરૅશૂટ અસોસિએશનની C કૅટેગરીનું સ્કાયડાઇવિંગ લાઇસન્સ ધરાવે છે. તેણે સૌથી પહેલું સ્કાયડાઇવિંગ ૧૦ વર્ષની ઉંમરે કરેલું. અત્યાર સુધીમાં તે ૩૦૦ વાર સ્કાયડાઇવિંગ કરી ચૂકી છે. આ સ્કિલ તે પિતા અજય શર્મા પાસેથી શીખી છે જેઓ ભારતીય વાયુસેનાના નિવૃત્ત જુનિયર વૉરન્ટ ઑફિસર, કમાન્ડો અને પ્રોફેશનલ સ્કાયડાઇવર રહી ચૂક્યા છે.

