કોઈ કેન્દ્રીય કર્મચારી કોઈ ગંભીર અપરાધ કે બેદરકારીના આરોપમાં દોષી પુરવાર થશે તો તેની ગ્રેચ્યુઇટી અને પેન્શન રોકવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ ફરજમાં બેદરકારી દાખવનારા કે અપરાધ કરનારા કેન્દ્રીય કર્મચારીઓને હવે મોટું નુકસાન થઈ શકે છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક ચેતવણી આપી છે, જેની ઉપેક્ષા કરનારા કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી પેન્શન અને ગ્રેચ્યુઇટી ગુમાવવી પડી શકે છે.
જો કોઈ સરકારી કર્મચારી પોતાના કામમાં બેદરકારી દાખવે છે તો એના માટે રિટાયરમેન્ટ પછી તેનું પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારનો આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓને લાગુ રહેશે. જોકે ભવિષ્યમાં રાજ્યો પણ એનો અમલ કરી શકે છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) રૂલ ૨૦૨૧ના સંબંધમાં એક નોટિફિકેશન ઇશ્યુ કર્યું હતું, જેમાં કેન્દ્ર સરકારે રીસન્ટ્લી રૂલ આઠમાં ફેરફાર કર્યો હતો જેમાં નવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ કેન્દ્રીય કર્મચારી પોતાની ફરજ દરમ્યાન કોઈ ગંભીર અપરાધ કે બેદરકારીના આરોપમાં દોષી પુરવાર થશે તો રિટાયરમેન્ટ પછી તેની ગ્રેચ્યુઇટી અને પેન્શન રોકવામાં આવશે.
આ લોકો લેશે ઍક્શન
સંબંધિત મંત્રાલય કે વિભાગની સાથે જોડાયા હોય એવા સચિવ કે જેમના હેઠળ રિટાયર થનારા કર્મચારીની નિમણૂક કરવામાં આવી હોય, તેમને પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.
જો કોઈ કર્મચારી ઑડિટ અને અકાઉન્ટ વિભાગમાંથી રિટાયર થયો હોય તો કૅગને દોષી કર્મચારીઓને રિટાયર થયા બાદ પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
દોષી કર્મચારીઓની વિરુદ્ધ આ રીતે ઍક્શન લેવામાં આવશે
નિયમ અનુસાર નોકરી દરમ્યાન જો કોઈ કર્મચારીની વિરુદ્ધ કોઈ ડિપાર્ટમેન્ટલ કે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી હોય તો એની જાણકારી પણ સંબંધિત અધિકારીઓને આપવી પડશે.
જો કોઈ કર્મચારીની રિટાયરમેન્ટ બાદ ફરીથી નિમણૂક કરવામાં આવે છે તો એના પર પણ આ નિયમ લાગુ પડશે.
જો કોઈ કર્મચારીએ રિટાયરમેન્ટ પછી પેન્શન અને ગ્રેચ્યુઇટીની રકમ લઈ લીધી હોય અને એના પછી તે દોષી પુરવાર થાય તો તેની પાસેથી પૂરેપૂરી કે એના થોડાક ભાગની વસૂલાત કરી શકાય છે. નુકસાનના આધારે એ બાબતે સંબંધિત અધિકારીઓ નિર્ણય કરશે.
ઑથોરિટી ઇચ્છે તો કર્મચારીનું પેન્શન અને ગ્રેચ્યુઇટીને કાયમી કે થોડા સમય માટે રોકી શકે છે.