કમર્શિયલ કુકિંગ ગૅસના રેટમાં પ્રતિ ૧૯ કિલોના સિલિન્ડરમાં ૨૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
કમર્શિયલ એલપીજીમાં ૨૧ રૂપિયાનો વધારો
નવી દિલ્હી: કમર્શિયલ કુકિંગ ગૅસના રેટમાં પ્રતિ ૧૯ કિલોના સિલિન્ડરમાં ૨૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે લોકોનાં ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા ડોમેસ્ટિક એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ૯૦૩ રૂપિયા છે. હોટેલ્સ અને રેસ્ટોરાં જેવી કમર્શિયલ જગ્યાઓએ ઉપયોગમાં લેવામાં આવતા કમર્શિયલ એલપીજીની કિંમત હવે ૧૭૭૫.૫૦ રૂપિયા પ્રતિ ૧૯ કિલોના સિલિન્ડરથી વધીને ૧૭૯૬.૫૦ રૂપિયા થઈ છે.
ADVERTISEMENT
યુકેમાં મૂળ ગુજરાતી વિદ્યાર્થીનો મૃતદેહ થેમ્સ નદીમાંથી મળી આવ્યો
લંડન ઃ યુકેમાં ગયા મહિને ૨૩ વર્ષનો મૂળ ગુજરાતી વિદ્યાર્થી ગુમ થયો હતો અને હવે તેનો મૃતદેહ થેમ્સ નદીમાંથી મળી આવ્યો હતો. મીતકુમાર પટેલ નામનો વિદ્યાર્થી સપ્ટેમ્બરમાં ઉચ્ચ અભ્યાસ માટે યુકે આવ્યો હતો અને ૧૭ નવેમ્બરે ગુમ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને તેનો મૃતદેહ થેમ્સ નદીમાંથી મળી આવ્યો હતો. મરનારના સંબંધી પાર્થ પટેલે તેનો મૃતદેહ ભારત પહોંચાડવા માટે ઑનલાઇન ભંડોળ એકત્રિત કર્યું હતું. મીત પટેલ ખેડૂત પરિવારમાંથી હતો. ૨૧ નવેમ્બરે પોલીસને પૂર્વ લંડનના કૅનેરી વાર્ફ એરિયા પાસે નદીમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.
અમેરિકામાં ભારતીયને ત્રણ ભારતીયોએ જ બંધક બનાવ્યો
વૉશિંગ્ટન: અમેરિકાના અધિકારીઓએ ૨૦ વર્ષના ભારતીય વિદ્યાર્થીને બચાવી લીધો છે. આ વિદ્યાર્થીને મહિનાઓ સુધી કેદ રખાયો હતો અને તેને બાથરૂમ પણ જવા દીધો નહોતો. આ વિદ્યાર્થીને તેના સંબંધી તેમ જ અન્ય બે લોકોએ અલગ-અલગ ત્રણ ઘરોમાં કામ કરવા માટેનું દબાણ કર્યું હતું તેમ જ તેને માર પણ મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અમેરિકાના મિસૌરીની છે જ્યાં આ વિદ્યાર્થીને મહિનાઓ સુધી અલગ-અલગ ત્રણ ઘરોમાં કેદ રખાયો હતો. પોલીસે આર. સત્તારુ, શ્રવણ વર્મા અને નિખિલ વર્માની ધરપકડ કરી છે. ભોગ બનનાર વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાને કારણે વધુ સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયો છે.
મિઝોરમમાં હવે સોમવારે મતગણતરી
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ મિઝોરમમાં મતગણતરી શેડ્યુલ કરતાં એક દિવસ પછી ચોથી ડિસેમ્બરે થશે. ચૂંટણીપંચે ગઈ કાલે જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓની બહુમતી ધરાવતા મિઝોરમના લોકો માટે રવિવારનું ખૂબ મહત્ત્વ હોવાને આધારે મતગણતરીની તારીખ ત્રીજી ડિસેમ્બરથી બદલવા માટે જુદા-જુદા વર્ગો તરફથી રજૂઆત આવવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં મિઝોરમમાં અન્ય ચાર રાજ્યો-રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણની સાથે ત્રીજી ડિસેમ્બરે મતગણતરી થવાની હતી. આ રાજ્યોમાં ગયા મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.


