કરતારપુરના ગુરદ્વારામાં દારૂ અને ડાન્સની પાર્ટીનો વિવાદ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર
રવિવારે રેકૉર્ડ ૪.૫૬ લાખ મુસાફરોએ કરી હવાઈ યાત્રા
નવી દિલ્હી : રવિવારે ભારતની ડોમેસ્ટિક ઍરલાઇન્સે નોંધનીય ૪,૫૬,૯૧૦ મુસાફરોને વહન કરતા ડોમેસ્ટિક ઍર ટ્રાફિકનો આંકડો નવી ઊંચાઈએ પહોંચ્યો હતો, જેને સતત બે દિવસની ઐતિહાસિક સંખ્યા તરીકે ગણવા આવી રહ્યો છે. રવિવારે ૪,૫૬,૯૧૦ ડોમેસ્ટિક પૅસેન્જર અને ૫૯૫૮ ફ્લાઇટ મૂવમેન્ટ હતી. ગયા વર્ષે ૧૯ નવેમ્બરે નોંધાયેલા ૩,૯૩,૩૯૧ મુસાફરો અને ૫૫૦૬ ફ્લાઇટ મૂવમેન્ટ કરતાં આ સંખ્યા ઘણી
વધારે હતી.
ADVERTISEMENT
કરતારપુરના ગુરદ્વારામાં દારૂ અને ડાન્સની પાર્ટીનો વિવાદ
લાહોર : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરદ્વારા દરબાર સાહિબના પરિસરમાં કરતારપુર પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટનો એક ડાન્સ પાર્ટીનો વિડિયો સામે આવ્યાના થોડા દિવસો પછી અધિકારીઓએ ગઈ કાલે આ અહેવાલને ફગાવી દીધો હતો. પીએમયુના બે અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ૧૮ નવેમ્બરના યોજાયેલા રિસેપ્શનમાં આલ્કોહૉલિક પીણાં પીરસવામાં આવ્યાં નહોતાં અથવા કોઈ ડાન્સ પણ થયો નહોતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિનર પાર્ટીમાં આલ્કોહૉલ પીવાતો દેખાતો વાઇરલ વિડિયો માત્ર પ્રચારના હેતુથી એડિટ કરવામાં આવ્યો હોવો જોઈએ.
ત્રણ વર્ષથી બિલ પેન્ડિંગ કેમ? સુપ્રીમનો રાજ્યપાલને સવાલ
નવી દિલ્હી : છેલ્લાં કેટલાંયે વર્ષોથી કેરલા અને તામિલનાડુની વિધાનસભાએ પાસ કરેલાં બિલને મંજૂર ન કરવાના મામલે આ બન્ને રાજ્યોના રાજ્યપાલને સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યો હતો. આ મામલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેરલાના રાજ્યપાલ આરિફ મોહમ્મદ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યા હતા. બીજી તરફ તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ પાસે બિલ ત્રણ વર્ષથી પેન્ડિંગ હતાં. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે ત્રણ વર્ષથી ગવર્નર શું કરી રહ્યા હતા. હવે આ મામલે પહેલી ડિસેમ્બરે સુનાવણી થશે.

