પાઇલટ અને ક્રૂ પરફ્યુમનો ઉપયોગ નહીં કરી શકે; ભારતમાં વૉટ્સઍપે ૭૪ લાખ અકાઉન્ટ્સ બૅન કર્યાં અને વધુ સમાચાર
ઉદેપુર-જયપુર વંદે ભારત ટ્રેનને ગઈ કાલે ડીરેલ કરવાનું કાવતરું ઘડાયું હતું
વંદે ભારતને ડીરેલ કરવાનું કાવતરું નિષ્ફળ
જયપુર : ઉદેપુર-જયપુર વંદે ભારત ટ્રેનને ગઈ કાલે ડીરેલ કરવાનું કાવતરું ડ્રાઇવરની સૂઝબૂઝને કારણે નિષ્ફળ રહ્યું હતું. ઉદેપુરથી ઊપડ્યા બાદ ગંગરાર સ્ટેશનથી આગળ જતાં ટ્રૅક પર જ કોઈએ મોટા પથ્થરો મૂકી દીધા હતા, પણ ડ્રાઇવરે સમયસર બ્રેક મારી હતી. હવે આ સમગ્ર ઘટનાની તપાસ રેલવે પોલીસ કરી રહી છે. ડ્રાઇવરે બ્રેક મારીને નીચે આવીને જોયું હતું તો ૨૦ મીટરના અંતરમાં ત્રણથી ચાર સ્થળે પથ્થર મૂકી દેવામાં આવ્યા હતા. આ ઘટના સવારે ૯.૫૫ વાગ્યે બની હતી જ્યારે આ ટ્રેન ત્યાં પહોંચી હતી. અહીંથી થોડેક દૂર વડા પ્રધાન મોદીની રૅલી પણ થવાની હતી.
ADVERTISEMENT
ભારતમાં વૉટ્સઍપે ૭૪ લાખ અકાઉન્ટ્સ બૅન કર્યાં
નવી દિલ્હી : ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લૅટફૉર્મ વૉટ્સઍપે ઑગસ્ટમાં ૭૪.૨ લાખ અકાઉન્ટ્સ બૅન કર્યાં છે અને અગાઉના મહિનામાં બે લાખથી વધુ અકાઉન્ટ્સને પ્રતિબંધિત કર્યાં હતાં. ૨૦૨૧ના નવા આઇટી નિયમો હેઠળ ફરિયાદોને આધીન આ વૉટ્સઍપ અકાઉન્ટ્સને બૅન કરવામાં આવ્યાં છે. બૅન કરેલાં અકાઉન્ટ્સમાંનાં ૩૫,૦૬,૯૦૫ અકાઉન્ટ્સને યુઝર તરફથી કોઈ પણ રિપોર્ટ મળતાં પહેલાં પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. સપ્ટેમ્બરમાં મેટા કંપની સર્વિસ વૉટ્સઍપે ૭૨.૨૮ લાખ અકાઉન્ટ્સ બૅન કર્યાં હતાં.
મોસ્ટ વૉન્ટેડ મોહમ્મદ શાહનવાઝની ધરપકડ
નવી દિલ્હી : ગઈ કાલે દિલ્હી પોલીસે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નો મોસ્ટ વૉન્ટેડ આરોપી મોહમ્મદ શાહનવાઝ, જે આઇએસઆઇએસ મૉડ્યુલ સાથે પણ સંબંધ ધરાવે છે, તેને તેના બે સાથીઓ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી શંકાસ્પદ આઇ.ઈ.ડી. ફૅબ્રિકેશનમાં વપરાતી સામગ્રી કબજે કરી હતી. દિલ્હીના જેતપુરમાંથી શાહનવાઝને ઝડપી પાડ્યો, જ્યારે મોહમ્મદ રીઝવાન અશરફ અને મોહમ્મદ અર્શદ વારસીને યુપીના લખનઉ અને મોરાદાબાદમાંથી ઝડપી પાડ્યા હતા.
ચાલુ વર્ષે દેશનો જીડીપીનો વિકાસદર ૬.૫ ટકા રહેશે
નવી દિલ્હી : નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅન રાજીવ કુમારે સોમવારે જણાવ્યું હતું કે ગયાં ૯ વર્ષોની મોદી ગવર્નમેન્ટની પૉલિસીને પરિણામે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની ઇકૉનૉમી આશરે ૬.૫ ટકાનો વૃદ્ધિદર નોંધાવી શકે છે. તેમના મતે છેલ્લાં ૯ વર્ષમાં બનાવવામાં આવેલી નીતિઓને કારણે દેશના જીડીપી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. ૨૦૨૨-’૨૩માં ભારતનો જીડીપી ૭.૨ ટકાના દરે હતો, જે ૨૦૨૧-૨૨માં ૯.૧ ટકાથી ઓછો હતો.
પાઇલટ અને ક્રૂ પરફ્યુમનો ઉપયોગ નહીં કરી શકે
નવી દિલ્હી : ઇન્ડિયન સિવિલ એવિયેશન રેગ્યુલેટરે એક ડ્રાફ્ટની દરખાસ્ત કરી છે જે પાઇલટ્સ અને ક્રૂ સભ્યોને બ્રેથેલાઇઝર ટેસ્ટ દરમ્યાન પરફ્યુમનો ઉપયોગ કરવાનું ટાળવા માટે ફરજિયાત કરી શકે છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન એ ડ્રાફ્ટ લઈ આવ્યા છે, કારણ કે પરફ્યુમમાં સામાન્ય રીતે આલ્કોહૉલનું પ્રમાણ વધુ હોય છે અને એ બ્રેથેલાઇઝર ટેસ્ટને અસર કરી શકે છે. તાજેતરના ડ્રાફ્ટ મુજબ કોઈ પણ ક્રૂ મેમ્બર કોઈ પણ દવા/ફૉર્મ્યુલેશનનું સેવન ન કરે અથવા માઉથવૉશ/ટૂથ જેલ/પરફ્યુમ અથવા આલ્કોહૉલ ધરાવતી કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ ન કરે, જેનું પરિણામ બ્રેથેલાઇઝર ટેસ્ટમાં પૉઝિટિવ આવી શકે. કોઈ પણ ક્રૂ મેમ્બર કે જે આવી દવા લઈ રહ્યા છે તેમણે ફ્લાઇંગ અસાઇનમેન્ટ હાથ ધરતાં પહેલાં કંપનીના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


