વડા પ્રધાન નરેન્દ્ર મોદી જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજર રહેવા માટે ટોક્યો પહોંચ્યા હતા. ગઈ કાલે આ અંતિમ સંસ્કાર પહેલાં તેઓ જપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાને મળ્યા હતા.

ટોક્યોમાં ગઈ કાલે જપાનના ભૂતપૂર્વ પીએમ શિન્ઝો આબેને શ્રદ્ધાંજલિ આપી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. પી.ટી.આઇ.
ટોક્યો (પી.ટી.આઇ.)ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજર રહેવા માટે ટોક્યો પહોંચ્યા હતા. ગઈ કાલે આ અંતિમ સંસ્કાર પહેલાં તેઓ જપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાને મળ્યા હતા. વડા પ્રધાને કહ્યું હતું કે આ મુલાકાત ફળદાયી રહી હતી. આ બન્ને નેતાઓએ ભારત અને જપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે તેમ જ આ પ્રદેશમાં અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાનોમાં સાથે કામ કરવા માટે વધુ એક વખત કમિટમેન્ટ વ્યક્ત કર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે ‘પીએમ કિશિદાની સાથે ફળદાયી મુલાકાત રહી હતી. અમે દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી હતી. મેં ભૂતપૂર્વ પીએમ શિન્ઝો આબેના કરુણ નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી.’
વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘આ બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવાને લઈને હકારાત્મક અભિપ્રાયોની આપલે કરી હતી. તેમણે બન્નેએ અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની પણ ચર્ચા કરી હતી.’
આ દ્વિપક્ષીય મીટિંગ દરમ્યાન વડા પ્રધાન મોદીએ આબેના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ ભારત અને જપાન વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવામાં તેમના યોગદાનની નોંધ લીધી હતી.
આ સ્વર્ગસ્થ જૅપનીઝ લીડર સાથે મોદીના નજીકના સંબંધો હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘હું ભૂતપૂર્વ પીએમ આબેના નિધન પર અત્યંત દુઃખ અનુભવું છું. તેઓ જપાન અને ભારતના સંબંધોને મહાન ઊંચાઈએ લઈ ગયા હતા અને અનેક ક્ષેત્રોમાં એનો વિસ્તાર પણ કર્યો હતો.’

