સોનમ વાંગચુકે કહ્યું કે મારા પારણાનો ફોટો જે રીતે જાહેર કરી દેવાયો એનાથી મને ઊંડો આઘાત લાગ્યો છે
સોનમ વાંગચુક અને તેમનાં પત્ની ગીતાંજલિ અંગમો
લદ્દાખના પર્યાવરણવિદ અને ઍક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ઘટસ્ફોટ કર્યો છે કે તેમનાં પત્ની ગીતાંજલિ અંગમોએ વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો સંપર્ક કરીને પોતાના ૨૬ દિવસના અનશનનો અંત લાવવા માટે તેમના હાથે પારણાં કરાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કૉન્ગ્રેસના નેતૃત્વ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.
સોનમ વાંગચુકે સ્પષ્ટતા કરી હતી કે આ બાબત જાણવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મારાં પત્ની દ્વારા કૉન્ગ્રેસના નેતૃત્વ વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ પછી તેની ટીકા થઈ રહી છે.
ADVERTISEMENT
અમે એવો વિચાર કરી રહ્યા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હાથે મારાં પારણાં કરાવવામાં આવે એમ જણાવતાં સોનમ વાંગચુકે કહ્યું હતું કે ‘ગીતાંજલિ આ માટે સતત પ્રયત્નશીલ હતી. તેણે પૂરા પ્રયાસો કર્યા કે રાહુલ ગાંધી આવીને મારા ઉપવાસ પૂરા કરાવે, પરંતુ સામા પક્ષેથી કોઈ જવાબ નહોતો મળ્યો.’
તમામ પક્ષોના રાજકીય નેતાઓ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે ઃ સોનમ વાંગચુક
કેન્દ્રીય પ્રધાનો જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહની હાજરીમાં આંદોલન સમાપ્ત કર્યા પછી તેમના પર BJPની સરકાર સાથે મધરાતે ગુપ્ત સોદો કરવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. સોનમ વાંગચુકે સખત શબ્દોમાં એને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું સત્તાપક્ષ, વિપક્ષ અને વિદ્યાર્થી નેતાઓ તમામની સંયુક્ત હાજરીમાં ઉપવાસ છોડવા ઇચ્છતો હતો. કેન્દ્રીય પ્રધાનો મોડી રાત્રે મને મળવા આવ્યા ત્યારે એવો આગ્રહ રાખ્યો હતો કે તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથેની તસવીરો તેઓ પોતે સત્તાવાર રીતે પારણાંની જાહેરાત કરે એ પછી જ જાહેર થવી જોઈએ. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વાત નક્કી થઈ હોવા છતાં પ્રધાનો સાથેની મુલાકાતની તસવીરો વહેલી સવારે જ
ટીવી-ચૅનલો પર વાઇરલ કરી દેવામાં આવી હતી. આ ઘટનાથી મને ઊંડો આઘાત લાગ્યો છે અને તમામ પક્ષોના રાજકીય નેતાઓ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. પ્રધાનોએ પોતાના ફોટોગ્રાફરો બોલાવ્યા હતા અને ફટાફટ તસવીરો ખેંચાવી હતી અને વચન આપ્યું હતું કે તેઓ આ તસવીરો રિલીઝ નહીં કરે, પણ તેમણે આ ફોટો સાર્વજનિક કરી દીધા હતા.’
