ભારતની નવી ‘શેર’ રાઇફલ્સ જૂની ઇન્ડિયન સ્મૉલ આર્મ્સ સિસ્ટમ (INSAS)ને બદલશે
ભારતની નવી શેર AK-203 રાઇફલ
ભારતીય સેનાને ડિસેમ્બર સુધીમાં AK-203 અસૉલ્ટ રાઇફલ્સનો નવો બૅચ મળશે. આ રાઇફલને ‘શેર’ નામ આપવામાં આવ્યું છે. આ રાઇફલ્સનું ઉત્પાદન ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતની નવી ‘શેર’ રાઇફલ્સ જૂની ઇન્ડિયન સ્મૉલ આર્મ્સ સિસ્ટમ (INSAS)ને બદલશે.
AK-203 કાલાશ્નિકોવ શ્રેણીમાં નવીનતમ રાઇફલ છે. એ પ્રતિ મિનિટ ૭૦૦ રાઉન્ડ ફાયર કરે છે. એની રેન્જ ૮૦૦ મીટર છે અને એ જૂની INSAS રાઇફલ્સ કરતાં હળવી, ટૂંકી અને ઘાતક છે. AK-203 રાઇફલ્સ ભારતીય સેનાને પહેલાં ક્યારેય ન જોઈ હોય એવી શક્તિ આપવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
‘શેર’ ભારતીય સૈનિકો માટે પાકિસ્તાન સાથેની લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) અને ચીન સાથેની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) સહિત ઉચ્ચ જોખમી સરહદો પર પ્રાથમિક અસૉલ્ટ રાઇફલ બનશે. ઘૂસણખોરીવિરોધી અને આતંકવાદવિરોધી કામગીરી માટે આ રાઇફલો બનાવવામાં આવી છે.
આ રાઇફલો બનાવવા માટે ભારત અને રશિયા વચ્ચેના સંયુક્ત સાહસનો ૫૨૦૦ કરોડ રૂપિયાનો કરાર થયો છે. અત્યાર સુધીમાં લગભગ ૪૮,૦૦૦ રાઇફલ્સ ડિલિવર કરવામાં આવી છે. આગામી બે-ત્રણ અઠવાડિયાંમાં વધુ ૭૦૦૦ રાઇફલ્સ અને આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ૧૫,૦૦૦ વધુ રાઇફલ્સ સોંપવામાં આવશે. ડિસેમ્બર ૨૦૩૦ સુધીમાં ૬ લાખથી વધુ રાઇફલ્સની ડિલિવરી પૂરી કરવાનું લક્ષ્ય છે. ૨૦૨૬થી ફૅક્ટરી દર મહિને ૧૨,૦૦૦ રાઇફલ્સ બનાવશે.
AK-47 કરતાં કેટલી સારી?
AK-203 રાઇફલ્સ જૂનાં AK-47 અને AK-56 મૉડલ કરતાં ઘણી અદ્યતન છે. તેઓ કાલાશ્નિકોવ પરિવારની સૌથી શક્તિશાળી રાઇફલોમાંની એક છે. એની મૅગેઝિન ૩૦ કારતૂસ સુધી રાખી શકે છે.
૮.૫ એકર જમીનમાં ફૅક્ટરી
આ ફૅક્ટરી અમેઠીમાં ૮.૫ એકર જમીન પર સ્થાપિત છે અને હાલમાં ૨૬૦થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે, જેમાં કાયમી રશિયન નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કર્મચારીઓની સંખ્યા વધીને ૫૩૭ થશે, જેમાંથી ૯૦ ટકા સ્થાનિક હશે.

