આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ બહુપત્નીત્વ વિશેની AIUDFના પ્રમુખની ટિપ્પણીનો આવો જવાબ આપ્યો
હિમંતા બિસ્વા સરમા
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમાએ જણાવ્યું હતું કે ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના પ્રમુખ બદરુદ્દીન અજમલ બીજાં કે ત્રીજાં લગ્ન કરવા માગે તો તે ચૂંટણી પહેલાં કરી લે, નહીંતર જેલ જવાનો વારો આવશે. રાજ્યના ધુબરી મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટણી લડી રહેલા બદરુદ્દીન અજમલે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે ‘કૉન્ગ્રેસનું કહેવું છે કે હું બુઢ્ઢો થઈ ગયો છું, પણ મારી પાસે હજી પણ એટલી તાકાત છે કે જો મુખ્ય પ્રધાન ન ઇચ્છે તો પણ હું લગ્ન કરી શકું છું.’
આ વિશે હિમંતા બિસ્વ સરમાએ એક રૅલીમાં ધુબરી સાંસદ પર કટાક્ષ કર્યો હતો કે તેમણે (બદરુદ્દીન અજમલ) હમણાં લગ્ન કરી લેવાં જોઈએ, કેમ કે ચૂંટણી બાદ આસામમાં યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) લાગુ થશે અને એ પછી તેઓ લગ્ન કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. આસામના મુખ્ય પ્રધાને ઉમેર્યું કે ‘જો તેઓ અમને હમણાં લગ્નમાં આમંત્રિત કરશે તો અમે જઈશું, કારણ કે હજી સુધી બહુપત્નીત્વ ગેરકાયદે નથી. મને ખબર છે ત્યાં સુધી તેમને એક પત્ની છે. તેઓ બે, ત્રણ કે વધુ વખત લગ્ન કરી શકે છે, પણ ચૂંટણી પછી તરત જ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકાશે. આ વિશેનો સમગ્ર ડ્રાફ્ટ તૈયાર છે.’